વિજય સંકલ્પ અમરણાંત ઉપવાસમાં પાટીદારોની ગણીગાંઠી હાજરી
પાટીદારોને અનામત આપવાની માંગણી સાથે હાર્દિક પટેલે વિજય સંકલ્પ અમરણાંત ઉપવાસના નામે શરૂ કરેલા ઉપવાસ આંદોલનને જોઈએ તેટલો પ્રતિસાદ સાંપડયો ન હોવાનું બહાર આવ્યું છે જોકે ગણ્યા ગાંઠયા ટેકેદારો સાથે હાર્દિક પટેલના અમરણાંત ઉપવાસ ફલોપ-શો બની રહ્યા હોવાનું પણ ચર્ચાય રહ્યું છે.
૨૫ ઓગસ્ટથી અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની અગાઉ હાર્દિક પટેલે જાહેરાત કર્યા બાદ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં હાર્દિક પટેલને ઉપવાસી છાવણી માટે મંજુરી ન આપવામાં આવતા હાર્દિક પટેલે પોતાના ઘરે જ વિજય સંકલ્પ અમરણાંત ઉપવાસના નામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. હાર્દિક પટેલે ખેડુતોની લોન માફી, પાટીદારોને અનામત અને અલ્પેશ કથીરિયાને છોડી મુકવાની માંગ જેવા ત્રણ મુદા સાથે આ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.
બીજી તરફ ભુતકાળના બનાવોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા આગમચેતીના પગલા ભરી સમગ્ર રાજયમાં પાસના ક્ધવીનરોને નજરકેદ કરી લઈ હાર્દિકના ઉપવાસ સ્થળ આસપાસ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી પાટીદારોની સંખ્યાની તુલનાએ ઉપવાસ સ્થળે પોલીસની સંખ્યા વધુ જોવા મળી રહી છે. સરકારના દબાણને લઈ હાલના સંજોગોમાં પાસ કન્વીનર હાર્દિક સાથે ગણ્યા ગાંઠયા લોકો જ જોડાયા હોવાનું પણ બહાર આવ્યું છે.
હાર્દિક પટેલે પોતાના નિવાસ સ્થાને શરૂકરેલા ઉપવાસ આંદોલન બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ હાર્દિકની સુચક મુલાકાત લીધી હતી જોકે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સાથે જોડાવવાની પણ જાહેરાત કરનારા મોટાભાગના પાસના નેતાઓ પર પોલીસની નજર હોય હાલમાં ઉપવાસ સ્થળે હાર્દિક સાથે ગણતરીના કાર્યકર્તાઓ જ હાજર રહેતા હાર્દિકનું આ ઉપવાસ આંદોલન ફલોપ-શો બની ગયું હોવાનું પણ જણાઈ રહ્યું છે.