કોરોના વાયરસે વિશ્વ આખામાં હાહાકાર મચાવ્યો છે. વાયરસના કારણે ઘણા પરિવારો, સગા-સંબંધીઓએ તેના પ્રિયજનોને ખોયા છે. ગુમાવેલા પ્રિયજનોની ખોટ પુરી કરવી ખુબ અઘરી છે. થોડા દિવસ પહેલા ગુજરાતમાં આવો જ એક હચમચાવી નાખે એવો કેસ સામે આવ્યો છે.
ગુજરાતના આણંદના પીપળાજમાં એક દુ:ખદ ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ પુત્રને જન્મ આપ્યાના એક દિવસ બાદ તે મહિલાનું મોત થઈ ગયું. મહિલાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
જલ્પા પટેલએ 25 એપ્રિલના રોજ એક બાળકને જન્મ આપ્યો હતો. જન્મના એક દિવસ પછી જ જલ્પાએ કોરોના સામે લડતા પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમના પહેલા સંતાનના 12 વર્ષ પછી આ તેમનું બીજું સંતાન હતું.
જલ્પાની મોત દરમિયાન તેના પતિ ચેતન પટેલએ કહ્યું કે, ‘કોરોના વાયરસની મહામારી છેલ્લા દોઢ વર્ષથી ચાલે છે. તે દરમિયાન અમે પ્રેગ્નન્સીને લગતા બધા ઈલાજ બંધ કરી દીધા હતા. સૌભાગ્યથી જલ્પાએ નોર્મલ રીતે જ ગર્ભ ધારણ કર્યો હતો. પરંતુ અમારી ખુશી લાંબો સમય ટકી શકી નહીં, અને જલ્પાનું નિધન થઈ ગયું. મને એક વાતની ખુશી છે કે, જલ્પાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે.’
દંપતીનું પહેલું સંતાન એક છોકરી છે. જેની ઉંમર 13 વર્ષ છે, અને તે માનસિક બીમારીનો સામનો કરી રહી છે. આ દરમિયાન જલ્પાને બીજા બાળકની ચાહત હતી. તેનું મુખ્ય કારણ એ હતું કે, તેનું બીજું બાળક તેની છોકરીની સાર-સંભાળ રાખે.