કાયમ દવા પર હોવાની સ્થિતિમાંથી સંપૂર્ણ મુક્તિ મળ્યાનો અચરજરૂપ દાખલો
જૂનાગઢના એક યુવાનને અંદાજે 32-33 વર્ષની ઉંમરે છાતીમાં દુખાવો ઉપડયો, હોસ્પિટલે ગયા તો તબીબી તપાસમાં નિષ્ણાંત તબીબે કહ્યું કે, કાર્ડિયેક એરેસ્ટ છે એટલે કે, વત્તી-ઓછી માત્રામાં રક્તવાહિનીઓમાં બ્લોકેજ છે. જેથી 72 કલાક સુધી આ યુવાન આઈસીયુમાં સારવારમાં રહ્યા, તે સાથે તબીબોએ કહ્યું કે, જિંદગીભર લોહી પાતળા કરવાની દવા-ગોળી લેવી પડશે. પણ તબીબની આ વાત જૂનાગઢના યુવાને એક ચેલેન્જ તરીકે ઉપાડી, તે ચેલેન્જ યુવકને યોગ સુધી લઈ ગઈ છે. તેના પરિણામે આજે આ યુવાન 50 વર્ષની ઉંમરે તરોજાતા અને તંદુરસ્તતાની સાથે સેંકડો લોકોને યોગ દ્વારા આરોગ્ય બક્ષવાનું કામ કરી રહ્યા છે.
જૂનાગઢના જયંતીલાલભાઈ કાછડીયાની તેઓ કહે છે કે, મારી સફરથી તબીબો પણ અચરજ પામી ગયા હતા. હૃદય સંબંધી બીમારી હોવાથી ડોક્ટરની સલાહ મુજબ અઢી – ત્રણ વર્ષ દવા લીધી. પણ મેં દ્રઢ નિશ્ચય કર્યો હતો કે, આવી રીતે જિંદગી ન જીવી શકાય અને કાયમી માટે દવા તો નથી જ લેવી. પછી યોગાચાર્ય રેણુબેન શુક્લા અને ટેલિવિઝનના માધ્યમથી યોગ શીખવાનું શરૂ કર્યું અને શીખ્યો પણ ખરો…
આમ, સતત ત્રણ વર્ષ સુધી નિયમિત યોગા કર્યા અને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યો હતો, એટલે છ મહિના સુધી દવા ન લેવાનો મેં જાતે નિર્ણય કર્યો. ત્યાર પછી ડોક્ટર પાસે તબીબી ચેકઅપ માટે ગયો ત્યારે ડોક્ટરે પણ અચરજ પામતા કહ્યું કે, છ મહિના સુધી દવા ન લેવાથી કશું નથી થયું ! તો હવે દવા લેવાની જરૂર નથી. તે સાથે ડોક્ટરે પણ પીઠ થબથબાવતા કહ્યું કે, દોસ્ત તેં કંઈક અલગ કરી બતાવ્યું.આ સાથે ડોક્ટરે છ મહિનાના અંતરે લિપિડ પ્રોફાઈલ સહિતના રિપોર્ટ કરાવવા માટે કહ્યું હતું. તે કરાવતો રહ્યો. પણ છેલ્લા ત્રણેક વર્ષથી તે પણ કરવાનું બંધ કરી દીધું છે. આમ, યોગ જીવનમાં ચમત્કાર સર્જી ગયું છે.