વડીલોપાર્જીત મિલકત હોવાનું પુરવાર કરવા અંબાલિકાદેવીને ભાઈ માંધાતાસિંહનો પડકાર: વસિયત
પ્રમાણે બહેનને હકક હિસ્સો આપી દીધાની ઠાકોર સાહેબ માંધાતાસિંહ અદાલતમાં જવાબ રજુ
રાજકોટના રાજવી પરિવારના ચકચારી મિલકત વિવાદમાં કોર્ટ કેસ અન્વયે રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજાએ સિવિલ કોર્ટમાં જવાબ રજૂ કરી સંપત્તિ વડીલોપાર્જિત હોવાનો દાવો વાદી બહેન અંબાલિકાદેવી પુરવાર કરે તેવો પડકાર ફેંક્યો છે. 2 અંબાલિકાદેવીની મનાઈ હુકમની અરજી સામે વાંધા રજૂ કર્યા હતા. વધુ સુનાવણી 11મી ઓક્ટોબરે રખાઈ છે. રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના સંતાનો ભાઇ-બહેન વચ્ચે મિલકત વિવાદ ઊભો થયો છે.
જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલીલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ રાજકોટના રાજવી પરિવારમાં 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદમાં એકાદ વર્ષથી ખટરાગ ચાલી રહ્યો છે.
અગાઉ હાલના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યો હતો. આ અંગે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી અને અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો હતો. માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીનું નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર થઈ હતી.
બાદમાં રાજકુમારી અંબાલિકાદેવીએ દિવાની કેસ નોંધાવીને સંયુક્ત હિન્દુ કુટુંબની મજિયારી વારસાઇ મિલકતમાંથી પાંચમા ભાગનો હિસ્સો મેળવવા, રિલીઝ ડીડ નલ એન્ડ વોઇડ ગણવા તથા વસિયત બંધનકર્તા નહીં હોવાનું ડેક્લેરેશન કરી આપવા દાદ માગી છે. આ કાયદાકીય લડત રાજકોટ સિવિલ કોર્ટમાં પહોંચી છે. તા.20ના રોજ સિવિલ કોર્ટમાં તારીખ હોવાથી માંધાતાસિંહના વકીલ હાજર રહ્યા હતા, કોર્ટના જજ એલ.ડી. વાઘે 11 ઓક્ટોબરની મુદત આપી છે.
ઠાકોર સાહેબ મનોહરસિંહજીની સ્વપાર્જીત મિલકત હોવાનો દાવો
માંધાતાસિંહે કોર્ટ સમક્ષ આપેલા પોતાના જવાબ લખ્યું હતું કે, સ્વ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી પ્રદ્યુમનસિંહજી જાડેજાને પોતાના પિતાની સ્વતંત્ર મિલ્કતો જે વારસદાર તરીકે વિલથી તેઓને મળેલી અને ઉપરોકત મિલ્કત સંપુર્ણપણે સ્વતંત્ર, અંગત માલિકીની, ખાનગી, સ્વપાર્જીત અને કાયદા અનુસાર “ઈમપાર્ટીબલ” હોય તે મિલ્કત અંગે મનોહરસિંહજીએ કાયદાઅનુસાર તા.6/07/2013 ના રોજ બે સાક્ષીઓ રૂબરૂ તથા નોટરી પબ્લીક સમક્ષ સહી કરી કાયદા અનુસારનું વીલ જે હાલના દાવામાં માર્ક 4/3 થી રજુ થયેલ છે તે એકઝીકયુટ કરેલું.
આવુ વિલ કરવાનો સંપુર્ણ હકક અને અધિકાર સ્વ.ઠાકોર સાહેબ મનોહરસિંહજી ધરાવતા હતા. કાયદાથી પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંત અનુસાર ગુજરાતમાં વિલના આધારે પ્રોબેટ કે લેટર્સ ઓફ એડમીનીસ્ટ્રેશન લેવાની જરૂરીયાત નથી. આ સંજોગોની અંદર લીગલ વીલને આધારે વીલના બેનીફીશ્યરી વીલ અન્વયે આગળની કાર્યવાહી કરવા સંપુર્ણપણે હકકદાર છે અને તે કાર્યવાહીના ભાગરૂપે વીલના આધારે રેવન્યુ એન્ટ્રી પાડવાની કાર્યવાહી કરવામાં આવેલી.
વાદી અંબાલિકાદેવીએ પણ વીલનો સંપુર્ણ સ્વીકાર કર્યો છે. વીલ સંબંધે પોતાને રકમો મળી ગયેલ છે વીલ વાંચવા સંબંધે તથા તે વીલની કબૂલાત બદલ વીલના દરેક પાના ઉપર પણ સહીઓ કરી આપી છે.