દોષીતોની મુક્તિને યથાવત રખાશે કે જેલ ભેગા કરાશે ?: વિશેષ બેન્ચ કરશે ફેંસલો

બિલ્કીસ બાનો કેસમાં ૧૧ આજીવન કેદના દોષિતોને અકાળે મુક્ત કરવાની મંજૂરી આપતા ગુજરાત સરકારના આદેશને પડકારતી અરજીઓનઇ વધુ એકવાર સુપ્રીમ કોર્ટ ૨૭ માર્ચ, ૨૦૨૩ ના રોજ સુનાવણી કરનારી છે.   જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ બીવી નાગરત્નની ડિવિઝન બેંચ આ મામલે સુનાવણી કરશે.

બીલકિસ બાનોના વકીલ એડવોકેટ શોભા ગુપ્તાએ સુપ્રીમ કોર્ટ સમક્ષ પાંચ વખત ઉલ્લેખ કર્યા બાદ આ મામલો લિસ્ટેડ કરવામાં આવ્યો છે. બે દિવસ પહેલા જ્યારે સીજેઆઈ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, ત્યારે સર્વોચ્ચ અદાલતે ગુપ્તાને ખાતરી આપી હતી કે અરજીની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરવામાં આવશે.

મે ૨૦૨૨ માં, જસ્ટિસ રસ્તોગીની આગેવાની હેઠળની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે, ગુજરાત સરકારને મુક્તિની વિનંતી પર વિચાર કરવાનો અધિકારક્ષેત્ર છે કારણ કે ગુજરાતમાં ગુનો થયો હતો. આ ચુકાદાની સમીક્ષા માટે બિલકિસ બાનો દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને સુપ્રીમ કોર્ટે ડિસેમ્બર ૨૦૨૨માં ફગાવી દીધી હતી.

દરમિયાન રાજ્ય સરકારે તેમની માફી અરજીઓને મંજૂરી આપ્યા બાદ તમામ અગિયાર દોષિતોને ૧૫ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા દોષિતોના સ્વાગતના વિઝ્યુઅલ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેનાથી ઘણા વર્ગોમાંથી આક્રોશ ફેલાયો હતો. ત્યારપછી સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજીઓ દાખલ કરવામાં આવી હતી જેમાં દોષિતોને આપવામાં આવેલી રાહત પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. બિલ્કિસે દોષિતોની સમય પહેલા મુક્તિને પણ પડકારી છે.

ગુજરાત સરકારે એક એફિડેવિટમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દોષિતોના સારા વર્તન અને તેમની સજાના ૧૪ વર્ષ પૂરા થવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની મંજૂરી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના સોગંદનામામાં ખુલાસો થયો છે કે સીબીઆઈ અને ટ્રાયલ કોર્ટના પ્રમુખ ન્યાયાધીશ (મુંબઈની વિશેષ સીબીઆઈ કોર્ટ)એ ગુના ગંભીર અને જઘન્ય હોવાના આધારે દોષિતોને મુક્ત કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.