ત્રિકોણબાગ નજીક વર્ષો પૂર્વે ઈન્ડીયન એરલાઈન્સને ઓફિસ માટે ફાળવવામાં આવેલી જમીન ઉપર હેતુ મુજબ બાંધકામ ન કરાતા આ જમીન પીજીવીસીએલને ફાળવી દેવાઈ હતી !
શહેરના ત્રિકોણબાગ નજીક એ ડિવીઝન પોલીસ સ્ટેશનની બાજુમાં ઈન્ડીયન એરલાઈન્સને ઓફિસ બનાવવા માટે ફાળવવામાં આવેલી જમીન પર સમયમર્યાદામાં બાંધકામ ન થતા શરતભંગ દાખલ થયો છે અને આજના બોર્ડમાં હાથ ધરવામાં આવેલી ૬૬ કેસોની સુનાવણીમાં આ કેસને પણ સામેલ કરાયો હતો.
જાણવા મળતી વિગતો મુજબ શહેરના ત્રિકોણબાગ નજીક બાર્ટન અધ્યાપન સંકુલની પાછળ ઈન્ડીયન એરલાઈન્સને ઓફિસ બનાવવામાં માટે ફાળવવામાં આવેલી જમીનમાં હેતુ મુજબ બાંધકામ કરવામાં ન આવતા શરતભંગ ગણી આ જમીન જે-તે સમયે પીજીવીસીએલને ફાળવવામાં આવી હતી જોકે બાદમાં કેન્દ્ર સરકારના સાહસ ઈન્ડીયન એરલાઈન્સને પુન: આ જમીન ફાળવવામાં આવી હતી અને ફરી એક વખત તક આપી ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં જે હેતુ માટે જમીન આપવામાં આવે છે તે હેતુ માટે ઉપયોગ કરવા જણાવાયું હતું પરંતુ આમ છતાં આ જમીન યથાવત રાખવામાં આવતા આ મામલે કલેકટર કચેરીમાં શરતભંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને આજના બોર્ડમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
વધુમાં જણાવ્યા મુજબ મહેસુલ વિભાગ દ્વારા જે-તે સમયે ઈન્ડીયન એરલાઈન્સને સિટી ઓફિસ માટે ત્રિકોણબાગ નજીકની આ મોકાની જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ વર્ષો સુધી અહીં જે હેતુ માટે જમીન ફાળવવામાં આવી હતી તે મુજબ બાંધકામ ન થતા તત્કાલિન કલેકટર એચ.એસ.પટેલના સમયગાળામાં આ જમીન પીજીવીસીએલને ફાળવી દેવામાં આવી હતી. જોકે બાદમાં પીજીવીસીએલની ફાળવણી રદ કરી વધુ એક વખત ઈન્ડિયન એરલાઈન્સને આ જમીન પર હેતુ મુજબ ઉપયોગ કરવા જણાવાયું હતું. વધુમાં ઈન્ડિયન એરલાઈન્સને છેલ્લી તક મુજબ ડિસેમ્બર-૨૦૧૭ સુધીમાં આ જમીન પર જે હેતુ માટે ફાળવાઈ છે તે હેતુ મુજબનો ઉપયોગ કરવા આખરીનામું અપાયું હોવા છતાં આ જમીન યથાવત રાખવામાં આવતા અંતે આ કિસ્સામાં શરતભંગ દાખલ કરી કેસને બોર્ડ પર લેવામાં આવ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,