સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૬ સહિત રાજ્યની ૩૯ સરકારી-ગ્રાન્ટેડ બીએડ્ કોલેજ આઈઆઈટીઈ હેઠળ છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૬ સહિત રાજ્યની ૩૯ સરકારી-ગ્રાન્ટેડ બીએડ્ કોલેજને આઈઆઈટીઈમાં સમાવવા માટે સરકારે નિર્ણય કર્યો છે ત્યારે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર બીએડ્ કોલેજના સંચાલક ડો.નિદત બારોટે પોતાની કોલેજને આઈઆઈટીઈમાં સમાવવામાં ન આવે તે માટે આઈઆઈટીઈ સમક્ષ હાઈકોર્ટમાં અરજી કરી છે. જે મુદ્દાને લઈ હાલ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના સેનેટ સભ્ય અને બીએડ્ ફેકલ્ટીના ડીન તેમજ બીએડ્ કોલેજના સંચાલક એવા ડો.બારોટે આઈઆઈટીઈમાં પડકાર ફેંકતા યુનિવર્સિટીના વર્તુળોમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે, ગત ૩૦ મે ના રોજ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. ૩૯ સરકારી-ગ્રાન્ટેડ બીએડ્ કોલેજના યુનિવર્સિટીમાં ભેળવી દેવામાં આવી છે. આ અંગે ઘણા સમયથી અટકળો અને બેઠકો ચાલતી હતી ત્યારે બે માસ અગાઉ આ તમામ કોલેજોને આઈઆઈટીઈ હેઠળ ભેળવી દેવામાં આવી છે. અને આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧થી બીએડ્ કોલેજ ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન થશે. જેમાં ઉત્તર ગુજરાત-દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સહિતનો સમાવેશ થાય છે તો ગુજરાત યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટીની ૬-૬ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન કરાશે. ત્યારે ભાવનગર, કચ્છ, જૂનાગઢ યુનિવર્સિટીની ૧-૧ કોલેજોને ટીચર્સ યુનિવર્સિટી સંલગ્ન કરવામાં આવશે. જો કે, રાજકોટની સૌરાષ્ટ્ર બીએડ્ કોલેજે આઈઆઈટીઈમાં ન ભળવા હાઈકોર્ટમાં અરજી કરી છે. ત્યારે બીજીબાજુ સરકારે તમામ સરકારી અને ગ્રાન્ટેડ બીએડ કોલેજના ટીચર્સ યુનિવર્સિટીમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. હાઈકોર્ટમાં અરજી કરાતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીનું રાજકારણ ગરમાયું છે. યુનિવર્સિટીના વર્તુળોમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.
તમામ સરકારી-ગ્રાન્ટેડ બીએડ્ કોલેજો જો આઈઆઈટીઈમાં ભળી જાય તો તેનું સંચાલન ટીચર્સ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે એટલે કે અત્યાર સુધી જે તે યુનિવર્સિટી સંલગ્ન ચાલતી બીએડ્ કોલેજનું સંચાલન જે તે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું પરંતુ નવા સત્રથી રાજ્યની ૩૯ કોલેજો ટીચર્સ યુનિવર્સિટી સાથે ભળતા જેનું સંચાલન ટીચર્સ યુનિવર્સિટી કરે એટલે જે તે યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીની પોતે કોઈ નિર્ણય કરી શકે નહીં. હાલ તો સૌરાષ્ટ્ર બીએડ્ કોલેજ આઈઆઈટીઈમાં ન સમાવવા હાઈકોર્ટ સમક્ષ અરજી કરી છે. જેને લઈ યુનિવર્સિટીનું રાજકારણ ભારે ગરમાયું છે. ત્યારે હાઈકોર્ટનો શું નિર્ણય આવે તેના પર સૌની મીટ છે.
- ગ્રાન્ટેડ બીએડ્ કોલેજને આઈઆઈટીઈમાં સમાવાઈ તો સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને નુકશાન : ડો.નિદત બારોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને સૌરાષ્ટ્ર બીએડ્ કોલેજના સંચાલક ડો.નિદત બારોટે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની ૬ ગ્રાન્ટેડ બીએડ્ કોલેજને તાજેતરમાં આઈઆઈટીઈ હેઠળ સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આની અમલવારી નવા સત્રથી થવાની છે ત્યારે જો સૌરાષ્ટ્રની ગ્રાન્ટેડ બીએડ્ કોલેજ આઈઆઈટીઈમાં ભળી જાય તો વિદ્યાર્થીઓની સીટમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થઈ જાય કેમ કે અત્યાર સુધી સૌરાષ્ટ્રની બીએડ્ કોલેજમાં સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને પ્રથમ પ્રવેશ માટે મોકો આપવામાં આવતો હતો. જો કે હવે આનાથી ઉલ્ટુ એટલે કે, ૯૦ ટકા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ગેરફાયદો થાય તેમ છે. જેથી મેં સૌરાષ્ટ્ર બીએડ્ કોલેજને આઈઆઈટીઈમાં ન સમાવવા હાઈકોર્ટ સમક્ષ અરજી કરી છે.