જાગૃત નાગરીકે મહિલા હેલ્પલાઈનને જાણ કરતા ટીમ વૃધ્ધાની મદદે આવી: કાયદાનું ભાન કરાવી પુત્ર અને પુત્રવધુને વૃધ્ધાને સાચવવા સહમત કર્યા
“મા તે માં બીજા બધા વગડાના વા’ આ કહેવતને કળયુગમાં ખોટી સાબિત કરતાં કળયુગના શ્રવણ અને પુત્રવધુએ વૃધ્ધ બિમાર માતાની સારવાર નહિ કરાવી ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરતા વૃધ્ધાએ ઘર છોડી આપઘાત કરવા દોડી ગયાનો કિસ્સો પ્રકાશમાં આવતા કળયુગના શ્રવણ અને પુત્રવધુ પર ચૌતરફથી ફીટકાર વર્સી રહ્યો છે.
આ અંગેની વિગત મુજબ ભકિતનગર પોલીસના વિસ્તારમાં આવલે ૮૦ ફૂટ રોડ પરની સોસાયટીમાં રહેતા ૬૫ વર્ષિય વૃધ્ધા ગઈકાલે ઘરેથી નિકળી ગયા બાદ આપઘાત કરવા નીકળ્યા હોવાની જાણ એક જાગૃત નાગરીકને ૧૮૧ અભીયમ મહિલા હેલ્પલાઈનને ફોન કરી જાણ કરતા કાઉન્સેલર જીજ્ઞાસા પટેલ મહિલા કોન્સ્ટેબલ જાગૃતીબેન અને પાયલોટ ધિરેન્દ્રભાઈ સહિતની ટીમ સ્થળ પર દોડી ગયા હતા અને વૃધ્ધાને મદદ કરવા વ્હારે આવ્યા હતા.
ઘર છોડી આપઘાત કરવા નીકળી ગયેલા વૃધ્ધાને અભીયમની ટીમે આશ્ર્વાસન આપી લાગણી સભર રીતે પાણી પીવડાવી ગાડીમાં બેસાડીને પ્રથમ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતુ કે આજના કળયુગનો તેનો એકનો એક પુત્ર મજૂરી કામ કરતો હોય અને તે વૃધ્ધાની બિમારીની સારવાર નહિ કરાવી અને તેની પત્ની અવાર નવાર વૃધ્ધા સાથે ઝઘડા કરી ગાળો ભાડી ત્રાસ ગુજારી જમવાનું પણ આપતા ન હોય જેથી વૃધ્ધાએ પોતે જાતે જ જમવાનું બનાવતા હોય તેમ છતા બિમાર માતાને કળયુગનો શ્રવણ અને તેની પુત્રવધુ ત્રાસ ગુજારતા હોવાથી વૃધ્ધા ઘર છોડી આપઘાત કરવા નીકળી ગયા હોવાનું જણાવતા ૧૮૧ અભીયમ મહિલા હેલ્પલાઈનની ટીમે વૃધ્ધાને તેના પુત્રના ઘરે લઈ જઈ પુત્ર અને પુત્રવધુને કાયદાનું ભાન કરાવી સમજાવી વૃધ્ધ માતાની દવા કરાવવા તથા તેની સાળસંભાળ રાખવા અને સારી રીતે જમવાનું આપવા સહિતની બાબતોએ સહમત કરી વૃધ્ધાને ફરી તેના પરિવાર સાથે મીલન કરાવી ૧૮૧ની ટીમે ઉમદા કામગીરી કરી હતી.