9,93,428 લોકોના ટાર્ગેટ સામે 8,52,232 લોકોને પ્રથમ ડોઝ આપી કોરોનાથી કરાયા સુરક્ષીત: 34.45 ટકા લોકોએ બીજો ડોઝ પણ લઈ લીધો
વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટેનું એકમાત્ર હથિયાર વેક્સિન છે. ગત 16મી જાન્યુઆરીથી રાજકોટમાં કોરોના વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજ સુધીમાં શહેરમાં 85.79 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે. 5.58 લાખ લોકો હજુ બીજા ડોઝની વાટ જોઈ રહ્યાં છે. છેલ્લા 1 મહિનાથી વેક્સિનના ડોઝ પુરતા પ્રમાણમાં ફાળવવામાં આવતા ન હોવાના કારણે વેક્સિનેશનની કામગીરી પર અસર પડી રહી છે.
શહેરમાં 18 વર્ષથી વધુ વયના 9,93,428 લોકોને કોરોનાની વેક્સિન આપવાનો લક્ષ્યાંક કોર્પોરેશન દ્વારા નિર્ધારીત કરવામાં આવ્યો હતો. જેમાં મંગળવાર સુધીમાં 8,52,232 લોકો એટલે કે, 85.79 ટકા વસ્તીને વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જેમાં 7,99,220 લોકોને કોવિશિલ્ડ અને 44,323 લોકોને કો-વેક્સિન આપવામાં આવી છે.
2,93,585 લોકો એટલે કે, 34.45 ટકા લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપી સંપૂર્ણપણે સુરક્ષીત કરી દેવામાં આવ્યા છે. જે પૈકી 2,51,307 લોકોને કોવિશિલ્ડ અને 37354 લોકોને કો-વેક્સિન આપવામાં આવી છે. આજની તારીખ શહેરમાં 5,58,647 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી છે.
આજે બપોર સુધીમાં શહેરમાં 18 થી લઈ 44 વર્ષ સુધીના 4076 લોકો અને 45 થી વધુ વયના 2379 લોકો સહિત કુલ 6455 નાગરિકોને રસી આપવામાં આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં કોરોનાના એક પણ કેસ નોંધાતો ન હોય તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો છે.