Abtak Media Google News
  • ફાયર એનઓસી-બીયુના વાંકે સીલ કરાયેલી મિલકતોના તાળા ખોલવા અરજીઓના ઢગલા

ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારના આદેશના પગલે કોર્પોરેશન દ્વારા શહેરમાં ફાયર એનઓસી વિનાની અને બીયુ પરમીશન વિનાની મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. 300થી વધુ મિલકતો સીલ કરી દેવામાં આવતા જબ્બરો દેકારો બોલી ગયો છે. જો કે, બીજી તરફ શરતોને આધિન મિલકતોને સીલ પણ ખોલી દેવામાં આવે છે. સીલ કરાયેલી મિલકતોના તાળા ખોલવા માટે કોર્પોરેશન કચેરીમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી રહી છે.  અગ્નિકાંડની ઘટનાના પગલે નવનિયુક્ત મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ દ્વારા શહેરના 18 વોર્ડમાં 18 ટીમો બનાવી સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે. મંજૂરી વિના ખડકાયેલું બાંધકામ, ફાયર એનઓસી વિનાની મિલકતો અને બીયુ પરમીશન વિના ધમધમતી મિલકતો સીલ કરવામાં આવી રહી છે. 300થી વધુ મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા હોય જબ્બરો દેકારો બોલી ગયો છે. સીલ કરાયેલી મિલકતોના તાળા ખોલવા માટેની અરજીઓ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે એકમાત્ર જીએડી ઓફિસ ખાતે જ સ્વિકારવામાં આવે છે. જેના કારણે લોકોનો ધસારો વધુ રહે છે. શનિ-રવિની રજા બાદ આજે સોમવારે કચેરી ખૂલતા જ અરજીઓ લઇ આવેલા અરજદારોની લાંબી કતારો લાગી જવા પામી હતી. ત્રણ ડીએમસીની કમિટી બનાવવામાં આવી છે. જેની મિટીંગ રોજ સાંજે મળે છે. જેમાં શરતોને આધિન મિલકતોના સીલ ખોલવા માટે મંજૂરી આપવામાં આવે છે. શાળાઓને સીલ કરી દેવામાં આવી છે. બીજી તરફ આગામી ગુરૂવારથી શાળાઓ શરૂ થઇ રહી હોય શાળા સંચાલકોમાં ભારે દેકારો જોવા મળી રહ્યો છે.

ફાયર એનઓસી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાનું પણ બંધ

ફાયર એનઓસી મેળવવા માટે અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા ઓનલાઇન અરજી સ્વિકારવામાં આવતી હતી પરંતુ કોઇ કારણોસર હાલ ઓનલાઇન અરજી સ્વિકારવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ઓફલાઇન અરજીઓ જ સ્વિકારવામાં આવે છે. જો કોઇ અરજદાર ફાયર એનઓસી માટે ઓનલાઇન અરજી કરે તો તેમાં સામાન્ય ભૂલ હોય તો પણ તે અરજી રિજેક્ટ કરી દેવામાં આવે છે. ડોક્યુમેન્ટ ચકાસણી સહિતની કામગીરીમાં એક પખવાડીયાથી વધુ સમય નીકળી જતો હોવાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી હાલ ઓનલાઇન અરજી સ્વિકારવાનું બંધ કરવામાં આવ્યું છે. માત્ર ઓફલાઇન અરજી જ સ્વિકારવામાં આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.