કેન્દ્રિય પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ મંત્રીએ રાજ્યની દરખાસ્તોનો સત્વરે હકારાત્મક નિર્ણય લેવા દર્શાવી તત્પરતા

રાજ્યના પશુપાલન,ગૌ સંવર્ધન અને મત્સ્યોધોગ મંત્રી  રાઘવજી ભાઈ પટેલે કેન્દ્રીય પશુપાલન, ડેરી વિકાસ અને મત્સ્યોદ્યોગ મંત્રી  પુરષોત્તમ રૂપાલાની નવી દિલ્હી ખાતે શુભેચ્છા મુલાકાત લઈ ગુજરાત રાજ્યના પશુપાલન,ડેરી અને મત્સ્યોદ્યોગ ક્ષેત્રના વિકાસ માટે વિવિધ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા વિચારણા કરી હતી.

આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી  રૂપાલા સમક્ષ રાજ્યમાં ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોના હિતમાં અમલમાં મુકાયેલ રાજ્યવ્યાપી પશુ આરોગ્ય મેળા અભિયાન, મુખ્યમંત્રી નિ:શૂલ્ક પશુ સારવાર યોજના, દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨, કરુણા અભિયાન, પશુ રોગ નિદાન કામગીરી, પશુ સંવર્ધન, પશુ જાતીય આરોગ્ય સારવાર કેમ્પ જેવા વિવિધ આયામોની અમલવારી તેમજ તેની હકારાત્મક અસર સ્વરૂપે રાજ્યમાં દૂધ ઉત્પાદનમાં તેમજ પશુઓની ઉત્પાદકતા માં નોંધાયેલ વધારો અને પશુઓમાં વાર્ષિક રોગચાળાની સંખ્યામાં નોંધાયેલ ઘટાડો જેવા વિષયો પર સવિસ્તૃત ચર્ચા વિચારણા કરાઈ હતી.

પશુધન સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણ, પશુ સંવર્ધન અને ડેરી ક્ષેત્રના વિવિધ કાર્યક્રમો માટે ભારત સરકાર દ્વારા મળી રહેલ સહાય તેમજ માર્ગદર્શન બદલ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈએ  રાજ્ય સરકાર વતી ભારત સરકારનો આભાર માન્યો હતો.

આ ઉપરાંત પાકિસ્તાનની કસ્ટડીમાં કેદ થયેલ ગુજરાતના માછીમારોને અને માછીમારી બોટને વહેલી તકે મુક્ત કરવા બાબતે તેમજ માછીમારો દ્વારા ખરીદવામાં આવતા ડીઝલના ભાવમાં તફાવત દૂર કરવા અથવા ફિશિંગ ડીઝલનું વિતરણ કરતા ડીઝલ પંપોને ગ્રાહક પંપની શ્રેણીમાંથી છૂટક વિક્રેતા પંપની શ્રેણીમાં લાવવા અંગે પણ કેન્દ્રીય મંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી

કેન્દ્રીય મંત્રી દ્વારા તમામ બાબતો પર રચનાત્મક સૂચનો પણ આપવામાં આવ્યા,જેનો ગુજરાત સરકાર દ્વારા અમલ કરવાની પણ ખાતરી મંત્રી  રાઘવજીભાઈએ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.