- છ મહિનામાં ૧૦ કિલો વજન ઓછું કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવતા કોમલ પુરોહિત
- મેદસ્વિતાને હરાવવા માટે શારીરિક શ્રમ, ડાયેટ ઉપરાંત મનથી મજબૂત સંકલ્પ પણ જરૂરી – કોમલ
વધુ પડતી ચરબી હોવાનો વિકાર એટલે કે મેદસ્વિતા. મેદસ્વિતાના કારણે શરીરના પેટ, મોં, સાથળ વગેરે ભાગ પર ચરબીના થર જમાં થાય છે, જેના કારણે શરીરનું વજન વધી જાય છે. મેદસ્વિતાના કારણે અન્ય શારીરિક તકલીફો પણ સર્જાય છે. જેના કારણે સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મુશ્કેલી ઉભી થાય છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ મેદસ્વિતાને એક વૈશ્વિક સમસ્યા ગણાવી છે. આ વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા માટે રાજ્ય સરકારે “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાન થકી લોકોને જાગૃત કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પહેલ કરી છે. સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધતાં વેરાવળના કોમલ પુરોહિતે છ મહિનાની અંદર ૧૦ કિલો વજન ઘટાડી અને લોકોને પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી છે.
“મન હોય તો માળવે જવાય” આ ઉક્તિને વેરાવળની સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા પુરોહિત કોમલબહેને બરાબરની સાર્થક કરી છે. કોમલનું વજન ખૂબ જ વધી ગયું હતું. જેને છ મહિનાની અંદર ૧૦ કિલોગ્રામ જેટલું ઓછું કરી અને સ્વસ્થ જીવનશૈલી જીવી રહ્યાં છે. કોમલબહેને જણાવ્યું હતું કે, મેદસ્વિતાને હરાવવા માટે શારીરિક શ્રમ, ડાયેટ ઉપરાંત અડગ મન હોવું જરૂરી છે. એકવાર તમે મન મક્કમ કરી અને મજબૂત સંકલ્પ કરી લો તો પછી તમને મેદસ્વિતા ઘટાડી શકવામાં કશું જ આડે આવતું નથી અને પરિણામ પણ સ્પષ્ટ જોવા મળે છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મેં ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પદ્ધતિ અપનાવી હતી. ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે કે એક નિર્ધારિત સમય સુધી ઉપવાસ રાખવો અને બાકીના સમયમાં પોષકતત્વોથી ભરપૂર આહારનો સમાવેશ કરવો.
ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગમાં ૨૪ કલાકમાંથી ૧૨, ૧૪ અને ૧૬ કલાક કશું જ ખાધા વગર રહેવાનું હોય છે. જેમાં રાત્રે જમવાનું અને પછી સીધું જ બપોરે જમવાનું. પહેલા ૫૦% સલાડ ખાવાનું અને પછી ૫૦% દાળ-રોટલી જે ભાવે એ લઈ શકાય. દરેક વ્યક્તિ મુજબ ડાયેટ તેમજ કસરત કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. જે ડોક્ટરને કન્સલ્ટ કરી અને અપનાવવી જોઈએ. ફાસ્ટફૂડ ખાવાનું ટાળવું જ જોઈએ. આમ, પોષણરૂપ આહાર પદ્ધતિ અપનાવી વજન ઘટાડવામાં ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ પદ્ધતિ કોમલને મદદરૂપ બની હતી.
વજન ઓછો કરવાથી શારીરિક તબિયત તો સુધરે જ છે અને માનસિક સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. મેદસ્વિતાને હરાવવા માટે શારીરિક શ્રમ, ડાયેટ ઉપરાંત મનથી મજબૂત સંકલ્પ પણ જરૂરી છે એમ જણાવી કોમલબહેને રાજ્ય સરકારની “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” ઝૂંબેશમાં સહભાગી થઈ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી હતી.
અહેવાલ: અતુલ કોટેચા