વિશ્વ ભારતને ‘ફાર્મસી ઓફ ધ વર્લ્ડ’ તરીકે ઓળખે છે
ગાંધીનગર ખાતે આયોજીત જી-20 બેઠકમાં આરોગ્ય પ્રધાનની સાથે 75 દેશોનાં પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત બેઠકમાં ભારતના સ્વાસ્થય ક્ષેત્રથી થનારા લાભોની જાણકારી અને તેના અનેકવિધ મુદાઓ પર ચર્ચા કરાઈ
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં ગુજરાતના ગાંધીનગર ખાતે જી20 ની હેલ્થ મિનિસ્ટરસ્ ની ત્રિ-દિવસીય સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના 75 દેશના પ્રતિનિધિઓ આ બેઠકમાં ભાગ લેવા માટે પધાર્યા છે.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારતને “વિશ્વની ફાર્મસી” તરીકે ઓળખવામાં આવે છે, હવે સમય આવી ગયો છે કે ભારત મેડિકલ ડિવાઇસીસ સેક્ટરમાં આગેવાની લે અને સસ્તા, ઇનોવેટિવ અને ક્વોલિટી મેડિકલ ડિવાઇસના ઉત્પાદનમાં અગ્રેસર બને.
જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને અનુલક્ષીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું, ભારતમાં વિશાળ હેલ્થ વર્કફોર્સ છે અને એ જ ભારતની સોફ્ટ સ્ટ્રેન્થ છે. માંડવિયાએ કહ્યું હતું કે ભારતની જી20 પ્રેસિડન્સી અંતર્ગત આયોજિત આ સમિટમાં વિશ્વના દેશોને ભારતના સ્વાસ્થ્ય ક્ષેત્રથી થનારા લાભોની જાણકારી, તેને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે. પરંપરાગત ઔષધિઓ અંગે પણ આ અંતર્ગત ચર્ચાઓ થઈ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભારતના તબીબી ઉપકરણોના ક્ષેત્રમાં સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમના વિકાસ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે. દેશમાં હાલ 1.3 મિલિયન એલોપેથીક ડોકટર, 800,000 આયુષ ડોકટર, તેમજ 3.4 મિલિયન નર્સ અને સહાયક નર્સ અને મીડવાઇફ છે. મંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ 2025 સુધીમાં ભારતને ટીબી મુક્ત કરવાના આયોજન અંગેની રૂપરેખા દર્શાવી હતી.આરોગ્ય મંત્રી એ વિશ્વના કૂલ 9 દેશના પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી જેમાં નેધરલેન્ડ, યુનાઈટેડ કિંગડમ (યુકે), સાઉદી અરેબિયા, જર્મની, શ્રીલંકા, જાપાન, યુનાઈટેડ સ્ટેટ્સ (યુએસએ), વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) અને યુરોપીયન યુનિયન (ઈયુ)નો સમાવેશ થાય છે. આ દ્વિપક્ષીય મંત્રણામાં મુખ્યત્વે ડિજિટલ હેલ્થ, આરોગ્ય ક્ષેત્રમાં મશીન લર્નિંગ (એમએલ) અને આર્ટિફિશીયલ ઈન્ટેલિજન્સ (એઆઈં)ના ઉપયોગ માટે, મેડિકલ ડિવાઈસ અને ફાર્મા સેક્ટરમાં વિદેશી કંપનીઓના ઈન્વેસ્ટમેન્ટ, ટ્રેડિશનલ મેડિસિન, જેનેરિક ડ્રગ્સ, રિસર્ચ અને ડેવલોપમેન્ટ (આરએન્ડડી) જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવમાં આવી.
સાથે સાથે અમેરિકાના પ્રવાસ દરમિયાન ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન વચ્ચે મેડિકલ ઉપકરણો, વેક્સિન, ઉપચાર અને નિદાન ક્ષેત્રમાં વૈશ્વિક ભાગીદારી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો જે મુદ્દા પર આજે યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ)ના આરોગ્ય અને માનવસેવા સચિવ જોડે દ્વિપક્ષીય બેઠકમાં ચર્ચા કરવામાં આવી.
જી20 હેલ્થ મિનિસ્ટર્સ સમિટની ઉપલબ્ધિ વિશે જણાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે આ સમિટની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે દુનિયા આજે ભારતની ક્ષમતાઓથી પરિચિત થઈ રહી છે. ભારત જે રીતે ડિજિટલ, મેડિકલ ક્ષેત્ર સહિતના અનેક ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે તેને દુનિયા આજે જોઈ રહી છે.
આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મસનુખ માંડવિયા વ્હેલી સવારે હોટલ લીલા ખાતે યોગા અને મેડિટેશન સેસન, ત્યાર પછી મહાત્મા મંદિર ખાતે સિંગાપુર અને ઇજિપ્ત એમ બે દેશો સાથે દ્વિપક્ષીય મંત્રણા, ‘ફાર્માસ્યુટિકલ સેક્ટરને વધુ મજબૂત બનાવવા, બધાને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ સરળતાથી મળી રહે’ તથા ‘ડિજિટલ હેલ્થ, યુનિવર્સલ હેલ્થ કવરેજ, હેલ્થકેર સર્વિસ ડિલિવરી’ એમ કૂલ 2 સેશન્સ અને ફાઈનાન્સ તથા હેલ્થ મંત્રીઓને સંયુક્ત બેઠકમાં હાજરી આપશે.