પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલનાત્મક કાર્યક્રમો : ૯ ડિસેમ્બરે ધરણા, રેલી, સૂત્રોચ્ચાર સહિતના દેખાવો અને ૧૭ ડિસેમ્બરે આવેદન અપાશે
પંચાયત સેવા હેઠળ ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે કોઈ ઉકેલ ન આવતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. જેમાં આરોગ્ય કર્મીઓએ પોતાના મોબાઈલ સ્વીચ ઓફ કરી તાલુકા હેલ્થ કચેરીઓમાં જમા કરાવી દીધા હતા. હવે આગામી ૯ ડિસેમ્બરે ધરણા, રેલી, સૂત્રોચ્ચાર સહિતના દેખાવો અને ૧૭ ડિસેમ્બરે આવેદન આપશે.
ગુજરાત રાજ્યના પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે ગત ફેબ્રુઆરી માસ દરમિયાન ૧૩ દિવસની સફળ હડતાલ પછી તા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ સમાધાન બેઠકમાં ૧થી ૧૩ જેટલા નાણાકીય અને વહીવટી પ્રશ્નો અંગે ટૂંક સમયમાં તબક્કાવાર નિરાકરણ લાવી આપવા સરકાર તરફથી લેખિત બાહેંધરી આપી હતી. તે મુજબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૧થી ૧૩ પડતર પ્રશ્નોની દરખાસ્ત નાણા વિભાગને રજૂ કરી હતી. પરંતુ રજૂ કરેલ દરખાસ્ત નાણા વિભાગે અસ્વીકાર કરી કોઈ પણ કારણ આપ્યા વગર બે વખત તા. ૮ મેં ૨૦૧૯, ૧૦ મેં ૨૦૧૯ અને ૧૪ મે ૨૦૧૯ની તારીખોએ પરત કરવામાં આવતા આરોગ્ય કર્મચારીઓ સાથે સરકારે કરેલ અન્યાયથી રાજ્યભરમા આક્રોશ સાથે રોષ ભભૂકી ઉઠતા આરોગ્ય કર્મચારી મહાસંઘે ફરી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા, મહામંત્રી વી.પી. જાડેજા અને મુખ્ય ક્ધવીનર સુરેશ ગામિતના જણાવ્યા પ્રમાણે આંદોલન સમયે થયેલા સમાધાન મુજબ એક પણ પ્રશ્નનો નિકાલ ના આવતા ફરીથી સરકારમાં લેખિત, મૌખિક અને વારંવારની રજૂઆતોમાં સરકારે નનૈયો ભણતા આંદોલન અંગેના કાર્યક્રમો જાહેર કર્યા હતા.
જેમાં ગત તા. ૨૮ નવેમ્બરના રોજથી તમામ કેડરના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરંતુ ઓનલાઈન કે ઓફલાઇન કોઈ પણ રિપોર્ટ વડી કચેરીએ આપવાનું બંધ કરી દેવાયુ છે. ઉપરાંત ગત શનિવારના રોજ મહિલા હેલ્થ વર્કરો અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરોએ મોબાઈલ સ્વીચ ઓફ કરી તાલુકા હેલ્થ કચેરીઓમાં જમા કરાવી દીધા છે.તા. ૯ ડિસેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકોએ એક દિવસના ધરણા, રેલી કરી સરકાર સામે સૂત્રોચ્ચાર અને દેખાવો કરાશે. તા. ૧૭ ડિસેમ્બરના રોજ આરોગ્યકર્મીઓ આરોગ્ય કમિશનરની કચેરીએ સામૂહિક રજૂઆત કરવા જશે. તેમ છતાં કોઈ નિવેડો નહિ આવે તો ત્યારબાદ ઉગ્ર આંદોલનના કાર્યક્રમો આપવામાં આવશે તેમ એક યાદીમાં જણાવાયું છે.