પડતર પ્રશ્ર્નોનાં ઉકેલની માંગ સાથે રાજયભરનાં ૫૦ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ શુક્રવાર સુધી ફરજ દરમિયાન કાળી પટ્ટી બાંધી રાખશે: ૨૮મીએ પેનડાઉન અને ૬મીએ માસ સીએલનો કાર્યક્રમ

રાજયભરનાં આરોગ્ય કર્મીઓએ પડતર પ્રશ્ર્નોનાં ઉકેલ લાવવાની માંગ સાથે આંદોલનનું રણશીગું ફુંકયું છે. આરોગ્ય કર્મીઓએ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને આંદોલનનો આરંભ કર્યો છે. આગામી શુક્રવાર સુધી આ કાળી પટ્ટી બાંધી રાખીને આરોગ્ય કર્મીઓ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરશે. બાદમાં ૨૮મીએ પેનડાઉન, તા.૬એ માસ સીએલ અને બાદમાં ૧૫મીથી અચોકકસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવનાર છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘે આરોગ્ય કર્મીઓનાં પડતર પ્રશ્ર્નોનો ઉકેલ લાવવાની માંગ સાથે આંદોલન કરવાની જાહેરાત કરી છે. જેના પગલે ગઈકાલથી રાજયભરનાં ૫૦ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓએ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને આંદોલનનું રણશીગું ફુંકયું છે. અગાઉ મહાસંઘે પડતર પ્રશ્ર્નોનાં ઉકેલ મામલે ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી હતી પરંતુ આ રજુઆતોનું કોઈ પરીણામ ન મળતા મહાસંઘે આંદોલનનું એલાન કર્યું છે. જેમાં રાજયભરનાં ૫૦ હજારથી વધુ આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે. આંદોલનમાં તા.૨૧ થી ૨૫ દરમિયાન કાળી પટ્ટી પહેરવી, તા.૨૮નાં રોજ પેન ડાઉન, તા.૬ ફેબ્રુઆરીએ માસ સીએલ અને તા.૧૫ ફેબ્રુઆરીથી અચોકકસ મુદતની હડતાલ પર ઉતરવાનું નકકી કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશના પગલે ગઈકાલથી વિરોધદર્શક કાર્યક્રમનો આરંભ થયો છે. આ અંગે રાજકોટ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળનાં પ્રમુખ એન.પી.ડઢાણીયાએ જણાવ્યું કે, આરોગ્ય કર્મચારી મહાસંઘે સરકાર સમક્ષ ૧૧ માંગણીઓ મુકી છે. જેમાં પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ કર્મચારીઓ ઘણી ટેકનિકલ પગાર ધોરણ આપવો, રાજય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવા, આરોગ્ય કર્મચારીઓને ૦ કિ.મી.એ પીટીએ આપવો, તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી, લેબ ટેકનિશિયન (પેથોલોજી)ને મેલેરીયા સુપરવાઈઝર તરીકે બઢતી આપવી, નવા મંજુર થયેલ જિલ્લામાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજુર કરી જગ્યાઓ ભરવી, જિલ્લાકક્ષાની સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બઢતી આપી ભરવી, પંચાયત સેવાના કમ્પાઉન્ડરોને ફાર્માસીસ્ટ અને મ.પ.હે.વર્કરોનું/ ફી.હે.વ.નું નવું નામાભિધાન કરવું, ગ્રામકક્ષાએ ફિમેલ હેલ્થ વર્કરના પેટાકેન્દ્ર ઉપર મ.પ.હે.વ.ની. જગ્યા મંજુર કરવી, તાલુકા આરોગ્ય કચેરીઓ ખાતે ફાર્માસીસ્ટ અને લેબ ટેકનીશીયનની નવી જગ્યાઓ ઉભી કરવી, આરોગ્યના મેડિકલ વિભાગના લેબ ટેકનિશીયનને આર.ઓ.પી. ૧૯૮૭થી રાજય સેવામાં પંચાયત સેવામાં અમલ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.