• ગાંધીનગર ખાતેથી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 100 નવી ‘108 એમ્બ્યુલન્સ’ અને 38 નવી ICU ઓન વ્હીલ્સને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું
  • આરોગ્ય મંત્રીના હસ્તે 10 નવી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની ‘મોબાઈલ ટેસ્ટીંગ વાન’નું પણ લોકાર્પણ કરાયું
  • એમ્બ્યુલન્સની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારવા રાજ્ય સરકારે 108ના વાહનોને અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કર્યા: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી 100 નવી ‘108 એમ્બ્યુલન્સ’ને ફ્લેગઓફ આપી પ્રસ્થાન કરાવી નાગરિકોની સેવામાં કાર્યરત કરી હતી. સાથે જ, મંત્રી શ્રી ઋષિકેશ પટેલે આરોગ્ય વિભાગના ICU ઓન વ્હીલ્સ માટેના નવા 38 વાહનોનું તેમજ ફૂડ સેફટી ઓન વ્હીલ્સની 10 નવી મોબાઈલ ટેસ્ટિંગ વાનનું પણ લોકાર્પણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યારે 800 જેટલી ‘108 એમ્બ્યુલન્સ’ કાર્યરત છે. જેમાં જૂની એમ્બ્યુલન્સને તબદીલ કરીને આ 100 નવી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે, નવી 38 ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ કાર્યરત થતા, હવે રાજ્યભરમાં 838 જેટલી એમ્બ્યુલન્સ નાગરિકોની આરોગ્યલક્ષી સેવામાં કાર્યરત થશે. આ ઉપરાંત ગુજરાતમાં હાલ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની 22 મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત છે. કેન્દ્ર સરકાર દ્વારા વધુ 10 વાહનોની ફાળવણી કરવામાં આવતા હવે ગુજરાતમાં 32 જેટલી ફૂડ સેફટી ઓન વ્હીલ્સની મોબાઈલ ટેસ્ટીંગ વાન કાર્યરત થશે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરુ કરેલી આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવાનું માળખું આજે અન્ય રાજ્યો માટે એક આદર્શ મોડલ તરીકે પ્રસ્થાપિત થયું છે. 108 સેવાના વ્યાપ તેમજ એમ્બ્યુલન્સ વાહનોની કાર્યક્ષમતા અને ગુણવતા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 29 કરોડથી વધુના ખર્ચે નવી 138 જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સો તમામ અદ્યતન ટેકનોલોજીથી સુસજ્જ કરવામાં આવી છે, જે કટોકટીના સમયે નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ગણતરીના સમયમાં જ પૂરી પાડશે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ICU ઓન વ્હીલ્સની મદદથી તેમાં ઉપલબ્ધ જીવન બચાવવા માટેના જરૂરી અદ્યતન ઉપકરણો, સંશાધનોનો ઉપયોગ કરીને દર્દીને પ્રિ-હોસ્પિટલ સારવાર અને સંભાળ પૂરી પાડી ઝડપથી હોસ્પિટલ સુધી પહોંચાડી શકાશે. આ વાહનોને વેન્ટિલેટર, ડિફિબ્રિલેટર અને મલ્ટિપેરામીટર મોનિટર, ECG મશીન અને સિરીંજ પંપ જેવી વિવિધ એડવાન્સ્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ્સ ઉપરાંત જીવન બચાવવા જરૂરી દવાઓ, પ્રશિક્ષિત પેરામેડિક્સ સ્ટાફ, ડ્યુટી સ્ટ્રેચર અને ડીઝીટલ ઓક્સીજન ડીલીવરી, અદ્યતન ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ જેવી અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.

મંત્રી પટેલે ફૂડ સેફટી ઓન વ્હીલ્સ અંગે વાત કરતા કહ્યું હતું કે, મોબાઈલ ટેસ્ટીંગ વાનમાં ઉપલબ્ધ અદ્યતન સાધનોની મદદથી ખોરાકના 100 થી વધુ પ્રાથમિક પરીક્ષણો કરીને સ્થળ પર જ ખાદ્ય ચીજોમાં ભેળસેળને પકડી શકાશે. આ મોબાઈલ વાનમાં પાયાની તમામ સુવિધાઓ સાથે જ ખાદ્ય પરીક્ષણ માટેની મિલ્ક-ઓ-સ્ક્રીન, પીએચ મીટર, રીફ્રેક્ટ્રોમીટર, હોટ એર અવન, હોટ પ્લેટ, ડિજિટલ વેઇંગ બેલેન્સ અને મીક્ષર ગ્રાઈન્ડર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વાન કાર્યરત થતા ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવી શકાશે, તેવો તેમેણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

138  એમ્બ્યુલન્સ અને 10 ફૂડ સેફટી ઓન વ્હીલ્સના લોકાર્પણ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ તેમજ નેશનલ હેલ્થ મિશનના ડિરેકટર રેમ્યા મોહન સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.