પ્રથમ જામનગરની મુલાકાત, સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરવા સાથે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
જામનગર બાદ રાજકોટની પણ ઓચિંતી મુલાકાત લ્યે તેવી પ્રબળ સંભાવના : આરોગ્ય સચિવ ગમે તે જિલ્લાની મુલાકાત લઈ શકે છે, એક પણ જિલ્લાના વહીવટી તંત્રને ગાંધીનગરથી સતાવાર જાણ કરાતી નથી
સૌરાષ્ટ્રમાં કોરોનાના વધતા જતા કહેરને પગલે રાજ્ય સરકારે આરોગ્ય સચિવ જયંતિ રવીને દોડાવ્યા છે. આજે તેઓ જામનગરની મુલાકાતે આવી પહોંચ્યા છે. જ્યાં તેઓએ સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલની મુલાકાત લીધી છે સાથે ત્યાંની વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં આરોગ્ય સચિવ રાજકોટની ઓચિંતી મુલાકાત લ્યે તેવી પણ સંભાવના જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસો ચિંતાજનક સપાટીએ પહોંચ્યા છે. અગાઉ દૈનિક જે કેસો સામે આવતા હતા. અત્યારે તેનાથી ત્રણ થી ચાર ગણા કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે. ત્યારે આ કેસો ઉપર નિયંત્રણ લાદવા માટે સરકાર ખાસ કમર કસી રહી છે. આ સંદર્ભે સરકારે આરોગ્ય સચિવ જયંતિ રવીને સૌરાષ્ટ્ર દોડાવ્યા છે. તેઓએ આજે જામનગરની મુલાકાત લીધી છે.
જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. અહીં તબીબોની પણ મોટી ફૌજ હોય અહીંથી તબીબોને અમદાવાદ પણ મોકલવામાં આવ્યા હતા. વધુમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં જીજી હોસ્પિટલ જ એક માત્ર એવી હોસ્પિટલ છે જે આજુબાજુના જિલ્લાઓના દર્દીઓને પણ સારવાર માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કોરોનાના કેસો હજુ વધવાના હોય આ સંદર્ભે જ આરોગ્ય સચિવ જયંતિ રવીએ જામનગરની મુલાકાત લીધી હોવાની વાત પણ સામે આવી રહી છે.
હાલ જામનગરની જીજી હોસ્પિટલમાં ૪૦૦થી વધુ બેડની વ્યવસ્થા છે. હાલ જે વ્યવસ્થા છે તેનાથી ત્રણ- ચાર ગણી વ્યવસ્થા વધારી શકાય તેમ છે. આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિ દ્વારા વિસ્તૃત વિગતો મેળવીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ આરોગ્ય સચિવ જયંતિ રવીના સૌરાષ્ટ્રની મુલાકાતના કાર્યક્રમ અંગે સરકારે કોઈ વહીવટી તંત્રને જાણ કરી ન હોવાનું જાણવા મળ્યું છે. માટે તેઓ ઓચિંતા કોઈ પણ જિલ્લાની હોસ્પિટલમાં ત્રાટકે તેવી શકયતા સેવાઇ રહી છે. જામનગરની મુલાકાત બાદ તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લે તેવા અહેવાલો પણ મળી રહ્યા છે. ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટની મુલાકાત લ્યે તેવી પણ પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. જો કે આ અંગે અધિક જિલ્લા કલેકટર પરિમલ પંડ્યાને પૂછતાં તેઓએ હજુ સુધી ઉપરથી કોઈ જાણ ન કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેના પગલે આરોગ્ય સચિવ જયંતિ રવિ સૌરાષ્ટ્ર દોડી આવ્યા છે. જે ગંભીર પરિસ્થિતિનો ઈશારો છે.