રાજકોટ મનપાની આરોગ્ય વિભાગ દ્વારા થોડા સમય પહેલા ખેતલાઆપા ચા પર દરોડા પાડ્યા હતા જેમાં દૂધના નમૂના ફેલ થયા હતા. ત્યારે હવે થેપલા બનાવતા એક યુનિટ પર આજે દરોડા પાડ્યા હતા. જેમાં છાપા પર થેપલા રાખવામાં આવતા હોવાથી ઇન્ક પણ સાથે ભળતી હોવાથી આરોગ્ય માટે હાનિકારક હોવાનું બહાર આવ્યું હતું.શિવમ થેપલા પ્રોડક્શન યુનિટ પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા
શિવમ થેપલા પ્રોડક્શન યુનિટ પર આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા. અહીં થેપલા તથા ચટણીનું પેકિંગ કરી વેચાણ કરવામાં આવે છે. જેમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું બહાર આવ્યું હતું. આથી આરોગ્યની ટીમે 155 કિલો થેપલા અને 20 કિલો લીલી ચટણી તથા 25 કિલો લાલ ચટણીનો નાશ કર્યો હતો. તેમજ થેપલાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. આ યુનિટને બિનઆરોગ્યપ્રદ અંગેની નોટિસ ફટકારવામાં આવી છે.
પ્રતિબંધ હોવા છતાં પેકિંગમાં પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ
આ અંગે આરોગ્ય વિભાગના નાયબ અધિકારી પીપી રાઠોડે જણાવ્યું હતું કે, થેપલા બનાવીને છાપાની રદીમાં રાખવામાં આવે છે જેને લીધે છાપાની ઇન્ક તેમાં ભળતી હતી. તેમજ પ્રતિબંધ હોવા છતાં પેકિંગમાં પ્લાસ્ટીકની બેગનો ઉપયોગ થતો હતો. પેકિંગના પ્લાસ્ટિકનું સર્ટિફિકેટ ન હોવા છતાં પ્લાસ્ટિક યુએસ ફૂડ ડ્રગ એડમીટ્રેશન માન્યતા પ્રાપ્ત દર્શાવી વેચાણ કરાતું હતું. થેપલામાં પામ તેલનો ઉપયોગ થતો હતો.