કામને વેગ આપવા સહિતના મુદ્દે અધિકારીઓને દિલ્હીને તેડાવી જરૂરી સૂચનાઓ અપાઈ, ઓક્ટોબર સુધીમાં કોઈ પણ સંજોગોમાં એઇમ્સ ચાલુ કરી દેવાનો લક્ષ્ય
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની વિઝીટ હવે એઇમ્સને ગતિ અપાવશે તે ચોક્કસ બન્યું છે. કારણકે આરોગ્ય મંત્રીએ ઓક્ટોબર સુધીમાં કોઈ પણ સંજોગોમાં એઇમ્સ ચાલુ કરી દેવાનો લક્ષ્ય જાહેર કર્યો છે. સાથોસાથ કામને વેગ આપવા સહિતના મુદ્દે અધિકારીઓને દિલ્હીનું તેડું પણ મોકલ્યું હતું.
રાજકોટની ભાગોળે એઇમ્સનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેમાં 60 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. નવા નવા ઇક્વિપમેન્ટ આવી રહ્યા છે. ફેકલ્ટીના રિક્રૂટમેન્ટ થઈ રહ્યા છે. ઓક્ટોબર મહિના સુધીમાં ફૂલફેઝ રાજકોટ એઈમ્સ ઓપરેશનલ થઈ જાય તે દિશાની કામ ચાલી રહ્યું છે. અપેક્ષા છે કે ઓક્ટોબર-નવેમ્બર મહિનાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઇમ્સનું લોકાર્પણ થાય. જેથી કરીને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતાને એઇમ્સ જેવી એક ઉચ્ચ કક્ષાની હેલ્થ ઇન્સ્ટિટ્યુટ ઉપલબ્ધ બને.
મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની જનતા ગુજરાતમાં એઇમ્સ મળે તે માટે બહુ જ ઉત્સુક હતી. એઇમ્સ ખાસ કરીને ગુજરાતમાં રાજકોટમાં મળી છે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ક ચાલુ થઈ ગયું છે. વિદ્યાર્થીઓની થર્ડ બેચ આવી ગઈ છે. જલ્દીમાં જલ્દી ડેડીકેશન ટુ નેશન્સ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે જે રીતે સમીક્ષામાં મુદ્દાઓ સામે આવ્યા છે ત્યારે એના આધારે હું એટલું કહી શકું કે, ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં આપણે રાજકોટ એઇમ્સને ડેડીકેશન ટુ નેશન્સ કરી શકીશું.
આ વેળાએ મંત્રી અને તમામ મહાનુભાવોને બાંધકામના સ્થળોની મુલાકાત લેવા લઈ જવામાં આવ્યા અને તેમણે હોસ્પિટલના વિવિધ બ્લોક્સની પ્રગતિની વિવેચનાત્મક સમીક્ષા કરી હતી. તેમણે સૌપ્રથમ આયુષની મુલાકાત લીધી, ત્યારબાદ એકેડેમિક બ્લોક, હોસ્પિટલ બ્લોક, રહેણાંક બ્લોક, બાયો મેડિકલ વેસ્ટ અને મોર્ચ્યુરી, હોસ્ટેલ સંકુલ અને ડાઇનિંગ હોલની મુલાકાત લીધી હતી. એઇમ્સમાં પ્રોજેક્ટના કામોની વર્તમાન સમસ્યાઓ વિશે, પરસ્પર અને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવાના ઉદ્દેશ્ય સાથે તમામ હિતધારકો સાથે ટૂંકી ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
નવી ફેકલ્ટી અને રહેવાસી ડોક્ટરોની ભરતી અને જોડાવાની પ્રક્રિયા ચાલી રહી છે. ફેકલ્ટીની વર્તમાન સંખ્યા 65 છે.દર્દીની સંખ્યાના વિસ્તરણની જરૂરિયાતોને પહોંચી વળવા માટે, પ્રક્રિયા હેઠળના ઉચ્ચતમ તબીબી, સર્જીકલ અને લેબોરેટરી સાધનો કાર્યરત છે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે વોલીબોલ કોર્ટ, આઉટડોર જિમ, ટીટી ટેબલ, ચેસ, કેરમ વગેરે સહિત આઉટડોર અને ઇન્ડોર સ્પોર્ટ્સ જેવી વિવિધ મનોરંજન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
બીજી તરફ એવી પણ વાત ધ્યાને આવી કે કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ પછી કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમામ અધિકારીઓને દિલ્હીમાં તેડાવી કામમાં ઝડપ લાવવા માટે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન ઍઈમ્સ ડાયરેક્ટર સહિતના અધિકારીઓ દિલ્હીમાં હાજર રહ્યા હતા અને નિર્માણકાર્ય મુદ્દે મહત્ત્વની બેઠક કરી હતી.
એઇમ્સ માટે 17 તબીબોની ભરતી જાહેર
રાજકોટ એઇમ્સ દ્વારા આજે 17 તબીબોની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં એનેસ્થેસિયોલોજી વિભાગમાં 1, બાયો કેમેસ્ટ્રીમાં 1, કોમ્યુનિટી એન્ડ ફેમેલી મેડિસિનમાં 1, ડર્મેંટોલોજીમાં 1 , રેડિયોલોજીમાં 1, ફોરેન્સિક મેડિસિન એન્ડ ટેક્નોલોજીમાં 1 , જનરલ મેડિસિનમાં 3, ઓબ્ટેટ્રિક્સ એન્ડ ગાયનેલોજીમાં 2, ઓફથેલોમોલોજીમાં 1, ઓર્થોપેડિકમાં 3, ફાર્માલોજીમાં 1 અને ફિઝીયોલોજી વિભાગમાં 1 એમડી કક્ષાના તબીબની ભરતી જાહેર કરવામાં આવી છે.