આપણા દેશમાં હજુ ૮૪% લોકો પાસે આરોગ્ય વીમો નથી
આપણા દેશના લોકોને સૌથી મોટી ચિંતા બિમાર પડશું તો શું થશે ? કોઈ મોટી અને ખતરનાક બીમારી લાગુ પડે કે અકસ્માત થાય તો તેના ખર્ચનું શું કરશું ? આજે કોઈપણ બીમારીની સારવાર કરાવવી ખુબ મોંઘી છે. બિમારીનો શિકાર બનતા લોકો એટલી તાણ નથી અનુભવતા જેટલી તેની સારવાર પર થતા ખર્ચા વિશે વિચારવાથી અનુભવે છે. આ તાણનો સામનો કરવા માટેની શ્રેષ્ઠ રીત છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ઉતરાવવો. હેલ્થ ઈન્સ્યોરન્સ ખુબ જરરી છે, કારણકે બીમારીઓ તમને ગમે ત્યારે ઘેરી શકે છે અને તમારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવાનો સમય આવી શકે છે. આપણા દેશમાં હજુ ૮૪% લોકો પાસે આરોગ્ય વિમો નથી. પોતાના જાતની અને પરિવારના આરોગ્યની કાળજી રાખવા દરેક વ્યકિતએ આજે જયારે તબીબી સારવાર અત્યંત મોંઘી થયેલ છે ત્યારે હેલ્થ ઈન્સ્યોરન્સ લેવો જરૂરી છે. ખાસ કરીને મધ્યમવર્ગના નાગરિકોએ આ વિમો રાખવો અત્યંત જરૂરી છે.
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રકારોમાં વિભિન્ન સરકારી અને બિન સરકારી કંપનીઓએ વિવિધ પ્રકારના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન રજુ કર્યા છે જેમાં મુખ્ય કેશલેસ પ્લાન અંતર્ગત વિમાકૃત વ્યકિતએ હોસ્પિટલમાં દાખલ થવામાં એક પણ પૈસો ખર્ચ કરવાની જરૂર રહેતી નથી. સારવાર દરમ્યાન થતો તમામ ખર્ચ વીમા કંપની ઉઠાવે છે. તે માટે વીમા કંપની વિવિધ હોસ્પિટલો સાથે કરારબઘ્ધ હોય છે. તમારે માત્ર ત્યાં જઈને તમારું મેડિકલ કાર્ડ રજુ કરવાનું હોય છે. આ ઉપરાંત રિઈબર્સમેન્ટ પ્લાનમાં વીમાધારક વ્યકિત ઈલાજ માટે પોતાના પૈસા ખર્ચે છે, જે પાછળથી બીલ રજુ કરીને પોલીસીના નિયમાનુસાર આંશિક કપાત સાથે પરત મળી જાય છે. હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં તમામ ગંભીર બિમારીની સારવાર હોસ્પિટલમાં દાખલ થતા ખર્ચ કવર કરવામાં આવે છે પરંતુ મોટાભાગના હેલ્થ પ્લાનમાં ડિલીવરી દરમ્યાન થતો ખર્ચ, દાંતની સારવાર, એવી બિમારી જેમાં તમે પ્લાન લેતા પહેલા સપડાયા હતા. ચશ્મા અથવા કોન્ટેકટ લેન્સ બનાવવાનો ખર્ચ, ડે કેર ટ્રીટમેન્ટ અથવા તે પ્રકારનો ઈલાજ જેના માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી વગેરે કવર કરવામાં આવતા નથી. કેશલેસ પ્લાનની સ્થિતિમાં જો તમારે કટોકટીની સ્થિતિમાં કોઈ એવી હોસ્પિટલમાં દાખલ થવુ પડે જે તમારા પ્લાનમાં દર્શાવેલી ન હોય તેમ છતાં પણ તમે ખર્ચેલા પૈસા પરત મેળવી શકશો, પરંતુ શરત એ છે કે તમારે કંપનીને આ બાબતે તરત જ માહિતી આપવી પડશે અને કંપની દ્વારા નિર્ધારીત સમયમર્યાદામાં કલેમ પણ કરવો પડશે.
હેલ્થ ઈન્સ્યોરન્સ કેમ જરૂરી છે
જો તમે સામાન્ય જીવન વીમા પોલીસી લો છો તો તેમાં નએડ એન્ડ રાઈડર્સથ દ્વારા તમને હેલ્થ ઈન્સ્યોરન્સનો લાભ તો મળે છે પરંતુ તે માટે તમારે ન માત્ર વધારાનું પ્રીમીયમ આપવુ પડે છે પણ આવા પ્લાનમાં માત્ર ૬-૭ બીમારી જ આવરી લેવામાં આવે છે. એકિસડન્ટ કવર નથી થતો. જયારે અલગથી હેલ્થ પ્લાન લેવામાં અનેક બિમારીઓ કવર થાય છે. તેની સાથે આ પ્લાનમાં આપવામાં આવેલી તમારી રકમને વિભિન્ન ફંડસમાં ઈન્વેસ્ટ કરીને ફંડ બિલ્ડીંગ કરવામાં આવે છે. જેથી તમારી રકમમાં વધારો થાય. માની લો કે તમે ૧૦ વર્ષ માટે ૫ લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ કરાવ્યો છે. શકય છે કે આ ૫ લાખ ૧૦ વર્ષ સુધી તમારી સારવાર માટે પુરતા ન હોય, પરંતુ સમયની સાથે સારવાર ખર્ચ મોંઘો થવાના કારણે તમારે રૂ.૭ લાખનો ખર્ચ કરવો પડે તો આ પરિસ્થિતિમાં તમારા પ્લાનમાંથી ઈન્વેસ્ટ કરવામાં આવેલી રકમ પર મળેલા નફા અને વ્યાજમાંથી તમારો આ ખર્ચ પુરો થઈ શકે છે.
પ્લાન લેતા પહેલા મહત્વની વાતો જેને જાણવી વીમો લેનારે ખુબ જ જરૂરી છે
– પ્લાન લેતી વખતે તેના તમામ ફીચર્સ ધ્યાનથી વાંચો અને સમજો. ફોર્મમાં આપવામાં આવેલી ફાઈન પ્રિન્ટસનો પણ અભ્યાસ કરો અને પોલીસીમાં કઈ કઈ બાબતો સામેલ નથી, તે જાણી લો.
– કોઈપણ હેલ્થ પ્લાન માત્ર એટલા માટે ન લો કે તેનું પ્રીમીયમ ઓછું છે. આ પ્રકારના પ્લાનમાં કયારેક કેટલીક બીમારી અને મેડિકલ ખર્ચ કવર નથી થતા. જેના વિશે સમય પર જ જાણ થઈ શકે છે.
– કોઈપણ કંપનીનો પ્લાન લેતા પહેલા વિભિન્ન કંપનીઓનો તુલનાત્મક અભ્યાસ કરી લો. માત્ર વાતોમાં આવીને અથવા કંપનીના નામથી પ્રભાવિત ન થશો.
– ડાયાબીટીક પેશન્ટ તેમજ હાર્ટ પેશન્ટ (કાર્ડીયાક કેર) માટે ખાસ પ્લાન પણ ઉપલબ્ધ છે.
– ૩૫ વર્ષની ઉંમરે વાર્ષિક અંદાજે ૧૨૦૦૦માં બે બાળકો અને પતિ-પત્નિનો ૬ લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ મળી શકે છે.
– હેલ્થ ઈન્સ્યોરન્સ આપનાર મુખ્ય કંપનીઓમાં સરકારી ક્ષેત્રની ૪ કંપનીઓ છે. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની, ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની અને યુનાઈટેડ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ કંપની જયારે ખાનગી ક્ષેત્રની પણ અનેક કંપનીઓ હેલ્થ ઈન્સ્યોરન્સ આપી રહી છે, જેવી કે સ્ટાર હેલ્થ, આઈસીઆઈસીઆઈ પડેન્શિયલ બજાજ આલિયાસ રિલાયન્સ વગેરે.