નાયબ મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નો ઉકેલવા ઘટતુ કરવાની ખાત્રી આપતા સંગઠનના હોદેદારોએ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો: આજથી આરોગ્ય કર્મચારીઓ ફરજનાં સ્થળે હાજર
છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી આરોગ્ય કર્મચારીઓની હડતાલ અંતે સમેટાઈ ગઈ છે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી સાથે સંગઠનનાં હોદેદારોની બેઠક મળી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નો ઉકેલવા ઘટતુ કરવાની ખાત્રી આપતા હોદેદારોએ હડતાલ પાછી ખેંચવાનો નિર્ણય લીધો હતો. સંગઠનની જાહેરાત બાદ આજથી આરોગ્ય કર્મચારીઓ ફરજનાં સ્થળે હાજર થઈ ગયા છે.
પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓના પડતર રહેલા ૧૩ પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે ગત તા.૧૭ થી ગુજરાત રાજય આરોગ્ય કર્મચારી મહાસંઘે હડતાલનું એલાન આપ્યું હતું. જેના પગલે રાજયભરના આરોગ્ય કર્મચારીઓએ હડતાલ પર ઉતર્યા હતા.
આ દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ અનેક વિરોધ દર્શકકાર્યક્રમો પણ આપ્યા હતા. અંતે મહાસંઘના હોદેદારોની નાયબ મુખ્યમંત્રી સાથે બેઠક યોજાતા નાયબ મુખ્યમંત્રીએ પડતર પ્રશ્નો સામે હકારાત્મક વલણ દાખવીને ઘટતુ કરવાની ખાતરી આપતા મહાસંઘના હોદેદારોએ હડતાલ સમેટવાનો નિર્ણય લીધો છે. આ સાથે મહાસંઘે તમામ કર્મચારીઓને આજરોજથી ફરજના સ્થળે હાજર થવાની સુચના પણ આપી છે. જેના પગલે આજથી આરોગ્ય કર્મચારીઓએ ફરજ પર હાજર થઈને પોતાનું કામ પણ શરૂ કરી દીધું છે.
છેલ્લા ઘણા દિવસથી ચાલતી આરોગ્ય કર્મચારીઓની હડતાલના પગલે સમગ્ર રાજયમાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી ખોરવાઈ જવા પામી હતી. આરોગ્ય કર્મચારીઓએ સરકાર સમક્ષ ૧૩ માંગણીઓ મુકી હતી પરંતુ સરકાર તરફથી કોઈ કાર્યવાહી ન થતા આરોગ્ય કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. અંતે સરકારે હકારાત્મક વલણ દાખવીને ઘટતું કરવાની ખાતરી આપતા આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ ગઈ છે.