ટેસ્ટીંગની કામગીરી નકકર બનાવવા મહાપાલિકામાં પ્રવેશતા તમામ અરજદારોના ફરજીયાત ટેસ્ટ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં દુકાનદારો,હોટલ સંચાલકો, પાનના ધંધાર્થીઓ વગેરેને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને પ્રત્યેક વેપારીઓ અને તેના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા એક શોરૂમ ના સંચાલક તેમજ એસટી રોડ પર આવેલી એક હોટલ ના સંચાલક કોરોના પોઝિટિવ મળી આવ્યા હોવાથી બંનેને હોમ કોરેન્ટાઇન કરી દેવાયા છે, જ્યારે બંને ના ધંધા ના સ્થળોને સીલ કરી દેવામાં આવ્યા છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા મલ્ટિનેશનલ બ્રાન્ડ કંપનીના શોરૂમ ના સંચાલક નો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી તેને હોમ કોરેન્ટાઈન કરી દેવાયો છે. જ્યારે એસ્ટેટ શાખા દ્વારા તેના શોરૂમ ને એક સપ્તાહ માટે સીલ કરી દેવાયો છે.
આ ઉપરાંત એસટી ડેપો રોડ પર આવેલી એક હોટલ ના સંચાલક નો પણ પોઝિટિવ રિપોર્ટ મળ્યો હોવાથી તેને હોમ આઇસોલેશનમા મોકલી દેવાયો છે. સાથોસાથ ચાની હોટલ ને એક સપ્તાહ માટે સીલ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શોપિંગ મોલમાં પણ રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને સમગ્ર મોલની અંદર આવેલા તમામ શોરૂમ ના સંચાલકો અને કર્મચારીઓ વગેરેના રેપિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.એસટી રોડ પર આવેલી અનેક હોટલો-દુકાનો વગેરેમાં કામ કરતા હોટલ બોય અને હોટલ માલિકો ઉપરાંત સંચાલકો, સાથોસાથ ચા-પાણી અને પાન ખાવા માટે આવેલા લોકો વગેરેના કોરોના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, અને ૧૦૦થી વધુ કોરોના ના ટેસ્ટ કરાયા હતા. જે કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે.
સાથોસાથ જામનગરના એસ.ટી ડેપો રોડ પર અનેક ખાનગી હોસ્પિટલો આવેલી છે, અને તમામ હોસ્પિટલોમાં શરદી,તાવ ની બીમારીને લઇને દર્દીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે. જયાં સોશિયલ ડિસ્ટન્સ નું પાલન થાય છે કે કેમ, તે અંગેની ચકાસણી કરવામાં આવી હતી.
સાથોસાથ ખાનગી તબીબોને જો કોઈ દર્દીઓને કોવિડ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત રહે તો તેઓને જામનગર મહાનગરપાલિકા સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરોમાં અથવા તો જુદા જુદા વિસ્તારમાં ફરી રહેલા ધન્વંતરીરથમાં કોવિડના ટેસ્ટ વિના મુલ્યે કરાવી લેવા માટે સૂચના આપવામાં આવી હતી. અડધો ડઝનથી વધુ ખાનગી હોસ્પિટલોમાં આ ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે સમગ્ર પ્રક્રિયામાં લાયઝન ઓફિસર કીર્તન રાઠોડ તેમજ એસ્ટેટ શાખા ની ટીમ જોડાઈ હતી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કોરોના ના ટેસ્ટિંગની પ્રક્રિયાને ખૂબ જ વેગવંતી બનાવી છે, જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકાની કચેરી માં પ્રવેશનારા તમામ નાગરિકો નું કોરોના પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે. અને પ્રવેશ દ્વારે જ એન્ટીજન ટેસ્ટ કરાવ્યા પછી અંદર પ્રવેશ અપાય છે.જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર સતીશ પટેલ ની સૂચનાથી આજે લાલબંગલા સર્કલમાં જામનગર મહાનગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ મંડપની છાવણી ઊભી કરી દેવામાં આવી હતી. જયાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જામ્યુકોના પટાંગણમાં જુદા જુદા કામો અર્થે પ્રવેશ કરનારા તમામ નાગરિકોને અટકાવી તેઓના એન્ટીજન ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સવારે દસ વાગ્યાથી આ કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો, અને ૫૦થી વધુ લોકોના કોવિડ એન્ટીજન ટેસ્ટ કરાયા હતા. જોકે હજુ સુધી કોઈ પોઝિટિવ કેસ મળ્યો નથી. તમામના નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી જ જામનગર મહાનગરપાલિકાના માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.