ચોમાસાની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોથી બચવા રાખીએ તકેદારી

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે ચોમાસામાં મચ્છરજન્ય રોગો  જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરેનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનાથી બચવા આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. મેલેરિયા રોગ ચેપી માદા એનોફીલીસ મચ્છર દ્વારા જ્યારે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા માદા એડીસ મચ્છરોના કરડવાથી થાય છે. જેથી આ રોગના નિયંત્રણ માટે આપણે સૌએ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગથી બચવા નાગરિકો માટે  માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મચ્છરો ઘરમાં ન ફેલાય તે માટે ઘરમાં અને ઘરની આજુબાજુમાં  પાણી સંગ્રહના પાત્રોને ખુલ્લા ના રાખવા, ઘરની આજુબાજુમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી જોઈએ. મેલેરિયા થયો હોય તેવા વ્યક્તિઓને પૂરેપૂરી સારવાર લેવી જરૂરી છે. વરસાદી સિઝન દરમિયાન બોટલ, ટીન, ટાયર, અને નાળીયેરની કાછલી, ભંગારનો નાશ કરવો. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની કોઈ ખાસ કોઈ દવા ઉપલબ્ધ નથી જેથી નાગરિકોને ડોકટરની સલાહ વિના દવા લેવી નહિ તેમાં પણ એસ્પીરીન જેવી દવાઓનો ઉપયોગ ટાળવો જોઈએ.
મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા રોગના નિયંત્રણ માટે નાગરિકોને તાવ હોય ત્યારે લોહીની તપાસ કરાવી જોઈએ. સાદો મેલેરિયા હોય તો ૧૪ દિવસની અને ઝેરી મેલેરિયા હોય તો ત્રણ દિવસની સંપૂર્ણ સારવાર નાગરિકોએ લેવી જોઈએ. મચ્છરથી બચવા મચ્છર વિરોધી ક્રીમ, કોઈલ અને અગરબત્તીનો ઉપયોગ કરવો જોઈએ. ઘરમાં અને ઘરની આજુબાજુમાં પાણી સંગ્રહના પાત્રોને હવાચુસ્ત ઢાંકણાંથી બંધ રાખવા જોઈએ. નાગરિકોએ ઘરની આજુબાજુ પાણીનો ભરાવો ન થાય તેની તકેદારી રાખવી તેમજ પાણીના નાના ખાડા ખાબોચીયા પૂરી દેવા જોઈએ.  નાગરિકોએ ઘરના બારી બારણા, ખાસ કરીને સવાર અને સાંજે બંધ રાખવા જોઈએ તેમજ રાત્રે સુતી વખતે જંતુનાશક કે સાદી મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના દર્દીઓને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ તેમ આરોગ્ય વિભાગની યાદીમાં વધુમાં જણાવાયુ છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.