- સુરતમાં આરોગ્ય વિભાગના દરોડા
- મસાલાનું વેચાણ કરતાં વિક્રેતાઓને ત્યાંથી લીધા સેમ્પલ
સુરત ન્યૂઝ : ઉનાળો શરૂ થતાંની સાથે જ ઠેર ઠેર મસાલાના સ્ટોલ ઉભા થઈ જતાં હોય છે. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિક્રેતાઓ દ્વારા મસાલાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગૃહિણીઓ દ્વારા આખા વર્ષના મસાલા ભરવા માટે ખરીદી કરવામાં આવતી હોય છે. ત્યારે આ મસાલાઓમાં ભેળસેળ થાય છે કે કેમ તે અંગેની તપાસ પાલિકાના આરોગ્ય તંત્રએ હાથ ધરી છે.
સ્ટોલમાંથી સેમ્પલ લેવાયાં
આરોગ્ય વિભાગ દ્વારા રાંદેર ઝોનમાં ઉનાળાની સીઝનમાં મસાલાના ઉભા થયેલા સ્ટોલ પર દરોડા પડાયાં હતાં. આરોગ્ય વિભાગે મરી-મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાંથી સેમ્પલ લીધા હતાં. અડાજણ આનંદ મહલ રોડ પર લાગેલા વિવિધ મસાલાના સ્ટોલમાંથી સેમ્પલ લેવાયા હતાં.
સેમ્પલ લેબમાં મોકલાયા
પાલિકાના અધિકારીઓએ કહ્યું કે, હળદર, લાલ મરચું, ધાણાજીરું સહિતના મસાલાઓના સેમ્પલ લેવાયા છે. મહત્વનું છે કે, લાલ મરચું ભેળસેળવાળું અથવા તો નકલી આવતું હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગે સેમ્પલ લઇ લેબમાં મોકલ્યા છે. જો સેમ્પલ નેગેટિવ આવશે તો વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરાશે.
ભાવેશ ઉપાધ્યાય