Abtak Media Google News
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાના પગલે ભારે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર  જિલ્લામાં કુલ 35 મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલવામાં આવી
  • સુરત, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી તબીબોની મેડિકલ ટીમ ભારે વરસાદથી પ્રભાવિત આ ત્રણેય જિલ્લામાં જરૂરી દવાના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી
  • આ ટીમ સ્થાનિકજનોની સ્વાસ્થ્ય ચકાસણી સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેના સધન પ્રયાસો હાથ ધરશે
  • ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં જરૂર જણાશે તે પ્રમામે તબક્કાવાર આરોગ્યની ટીમ મોકલાશે
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી ભારે વરસાદથી પ્રભાવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં રોગચાળો ફાટી ન નિકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલે સ્વાસ્થય ચકાસણી  હાથ ધરી છે.
મંત્રીની સૂચનાથી ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 35 મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રારંભિક તબક્કે મોકલવામાં આવી છે.
આગામી સમયમાં જરૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં ટીમ મોકલાશે.
જેમાં વડોદરા મ્યુનિસીપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10, 2 ટીમ મોરબી અને 3 ટીમ પોરબંદર જિલ્લામાં મોકલાઇ છે.
આ ટીમમાં સુરત થી 5, ભાવનગર થી 5, ગાંધીનગર અને અમદાવાદ થી 10 – 10 અને રાજકોટથી 5 આમ કુલ 35 ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ  સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે.
દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ , ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે.
તમામ ટીમ દ્વારા ત્રણે  જિલ્લામાં યુધ્ધના ધોરણે આજ સવાર થી જ મેડિકલ ચેક-અપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઇને સ્થાનિકજનોની સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે.
આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં ક્લોરીનેશન પણ ચકાસવામાં  આવશે.
તદ્ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની પણ કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દેવામાં આવી છે.
વધુમાં અન્ય પ્રાથમિક સારવાર ઉપરાંતની જરૂર જણાઇ આવે તે  સારવાર પણ પુરી પાડવા સ્થાનિક જિલ્લા ક્ષેત્રે હોસ્પિટલમાં તમામ પૂર્વતૈયારીઓ કરી દેવામાં આવી છે.
રાજ્યમાં સી.એચ.સી. અને પી.એચ.સી ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108ની એમ્બ્યુલન્સને આ વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ માટે તહેનાત રાખવામાં આવી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.