તબીબો અને વહિવટી અધિકારીઓને સાથે બેઠક યોજી જયંતી રવિએ રોગચાળાની અને દર્દીઓની સુવિધા અંગે ચર્ચા કરી: નર્સીગ સ્ટાફે પોતાની મુશ્કેલી કમિશનર જયંતી રવિ સમક્ષ રજૂ કરી
રાજકોટમાં રોગચળો વકયાની અને બે દિવસ પહેલાં તાવના કારણે માસુમ બાળકનું મોત થયાની ઘટનાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. રાજયના આરોગ્ય કમિશનર જયંતી રવિ રાજકોટ દોડી આવી આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી દર્દીઓને વધુને વધુ સારી સુવિધા મળી રહે તે માટે અધિકારીઓને તાકીદ કરી તબીબોની કામગીરી, ઓપીડી અને ઇન્ડોર દર્દીઓના આંકડાકીય માહિતી મેળવી હતી. આ તકે નર્સિગ સ્ટાફ દ્વારા દર્દીઓની સારવારમાં પડતી મુશ્કેલી અને ટાચા સાધન અંગેની ફરિયાદ કરી હતી.
તહેવાર ટાણે તાવ, શરદી, ઉધરસ, મેલેરિયા, ડેગ્યુ અને ફલુ જેવા રોગચાળો વકરતા શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. દર્દીઓની સંખ્યામાં એકા એક વધારો થતા અને તાવના કારણે એક માસુમ બાળકનું મોત તેમજ ત્રણ બાળકોના શંકાસ્પદ મોતના પગલે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. રાજકોટમાં રોગચાળો વધુ વકરે તેવી દહેશતના પગલે આરોગ્ય અધિકારીઓને વધુ સારી સારવાર માટે સજજ રહેવા તાકીદ કરવા અને રોગચાળાની જાત માહિતી મેળવવા રાજયના આરોગ્ય કમિશનર જયંતી રવિ રાજકોટ દોડી આવ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલી આરોગ્ય સમિતિની બેઠકમાં સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા, મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધ્રુવ, આરોગ્ય સમિતિના જયંતભાઇ ઠાકર અને તબીબોની ટીમ સાથે રોગચાળા અંગે વિસ્તૃત ચર્ચા કરી આંકડાકીય માહિતી મેળવી હતી.
આરોગ્ય કમિશનર જયંતી રવિ સિવિલ હોસ્પિટલ આવ્યા ત્યારે તેમને રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને રોગચાળા અંગે આરોગ્ય કમિશનર જયંતી રવિ સાથે ચર્ચા કરી હતી તેમજ રોગચાળાને આગળ વધતો અટકાવવા સ્વચ્છતા પર ભાર મુકી દર્દીઓને સારી સુવિધા મળી રહે તે અંગે તબીબોને તાકીદ કરી હતી.
સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિગ સ્ટાફની આરોગ્ય કમિશનર જયંતી રવિએ બેઠક યોજી ત્યારે નર્સિગ સ્ટાફે શહેરમાં રોગચાળાની પરિસ્થિતીને પહોચી વળવા માટે કેટલાક સાધનો પૂરતા હોવાનું અને દર્દીઓની સારવારમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની મુશ્કેલી વર્ણવી હતી. તેમજ પોતાના પડતર પ્રશ્ર્નોના નિકાલ માટે રજૂઆત કરી હતી.
રાજય સરકાર દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ‘૧૦૦૦ ડેઝ કંપલાયન્ટ’ સંસ્થાની શઆત કરી છે. જેમાં મહિલાના ગર્ભમાં રહેલાં શીશુ હેલ્ધી રહે તે માટે ગર્ભવતી મહિલાઓની વિશેષ સારવારની સુવિધા પુરી પાડવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. ‘૧૦૦૦ ડેઝ કંપલાયન્ટ’નો આઇડીયા દિલ્હી એઇમ્સના તબીબ અણસિંગ દ્વારા આપવામાં આવ્યો હતો અને સમગ્ર સંચાલન તેમના માર્ગ દર્શન હેઠળ કરવામાં આવનાર હોવાનું આરોગ્ય કમિશનર જયંતી રવિએ જણાવ્યું હતું. ચોમાસા બાદ રોગચાળો વધતો હોવાથી રાજયનું આરોગ્ય વિભાગ સજાજ હોવાનું અને તમામ કેન્દ્ર પર નજર હોવાનું કહી રોગચાળાને પહોચી વળવા માટે સરકાર દ્વારા દવાનો પુરતો સ્ટોક સહિતની સુવિધા હોવાનું કહ્યું હતું.