રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ (IAS) સુરત નવી સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં આરોગ્ય કમિશનરે પીઆઈયુ સહિત તમામ વિભાગના વડા સાથે બેઠક કરીને દર્દીઓ તેમજ હોસ્પિટલની સુવિધા વિશે માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન કમિશ્નરે PICUમાં બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય અંગે પૃચ્છા કરી હતી. નવી સિવિલમાં ગાયનેક વિભાગ તેમજ બાળરોગ વિભાગમાં સારવાર લઈ રહેલા બાળકના પરિવારજનોની મુલાકાત કરીને હર્ષદ પટેલે દાખલ બાળકોની તબીયત વિશેની માહિતી તબીબો પાસેથી મેળવી હતી. ઉપરાંત હિમોફિલિયા તેમજ સિકલ સેલ એનીમિયાના રોગ વિશેની વિગતો મેળવી અઘિકારી-કર્મચારીઓને દર્દીઓની કાળજી લેવા સૂચનો કર્યા હતા. ગાયનેક અને સ્ત્રી રોગ વિભાગમાં આઈસીયુ, લેબર રૂમ, જન્મેલા બાળકોનું આઈસીયુ વોર્ડ સહિત તમામ વિભાગની મુલાકાત લઈ બારીકાઇથી નિરક્ષણ કર્યું હતું.
સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અંગદાનના સેવાકીય કાર્ય સાથે જોડાયેલ તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર્સ સાથે અંગદાન અંગે વિગતે જાણકારી મેળવી હતી. નવી સરકારી મેડિકલ કોલેજ તેમજ ડાયાલિસિસિ સેન્ટર, મેડિકલ તેમજ આઈસીયુ અને ટ્રોમા સેન્ટર સહિત ઓપીડીનું પણ નિરીક્ષણ કર્યું હતું. સ્ત્રી રોગ વિભાગની બહાર દર્દીઓના સ્નેહીજનો સાથે મુલાકાત દરમિયાન ઉચ્છલ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના સગર્ભા બહેનોની નોર્મલ ડિલવરી કરાવતા આરોગ્ય કમિશનરે સંતોષ વ્યક્ત કર્યો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતે મળેલી બેઠકમાં કમિશનરે ઉપલબ્ધ સુવિધાઓ તેમજ હોસ્પિટલની માળખાગત સુવિધાઓ તેમજ ભવિષ્યના આયોજન વિશે અધિકારીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ સાથે ચર્ચા વિચારણા કરી હતી.
ઓર્ગન ડોનેશન સાથે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરની શરૂઆત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. નવી સ્ટેમસેલ બિલ્ડીંગ અને કિડની બિલ્ડીંગ ખાતે ડાયલિસિસ સેન્ટર, ઓપરેશન થિયેટર, આઈસીયુ, ન્યુરો સર્જરી વોર્ડ તાત્કાલિક સારવાર વોર્ડ, ઓપીડી વિભાગની મુલાકાત લીધી હતી. હોસ્પિટલના વિવિધ વિભાગોની જરૂરી માહિતી પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી. સરકારશ્રીની પીએમ-જેએવાય યોજનાની વિગતે સમીક્ષા કરી હતી. નવી સિવિલ હોસ્પિટ ખાતે બેઠકમાં સરકારી મેડિકલ કોલેજના ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, નવી સિવિલના ઈ. સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલ વડગામા, ગાંધીનગરના ડે.ડિરેક્ટર ડો.જશ્મીન દીવાન, આરએમઓ ડો.કેતન નાયક, ઈમરજન્સી મેડિકલ વોર્ડ (EMW)ના ઈ.ચાર્જ ઈકબાલ કડીવાલા, ડો. અશ્વિન વસાવા, ગાયનેક વિભાગના ડો.અંજની શ્રીવાસ્તવ, બાળરોગ વિભાગના ડો.સંગીતા ત્રિવેદી સહિત તબીબો, નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ, વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.