વેરાવળ ખાતે મણીબેન કોટક હાઇસ્કુલમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરનાં હસ્તે દિપ પ્રગટાવી પ્રારંભ કરાયો હતો. જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં પ્રાથમિક શાળા, આંગણવાડી સહિત ૨૨૧૬ સંસ્થાઓમાં ૩.૨૦ લાખી વધુ બાળકોની તપાસણી કરી સારવાર આપવામાં આવશે. આ કાર્યક્રમ તા. ૧લી ફેબ્રુઆરી સુધી સતત ૪૫ દિવસ કાર્યરત રહેશે.
ગુજરાત રાજ્યમાં દરવર્ષની જેમ આ વર્ષે શાળા આરોગ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. દર વર્ષે ગુજરાતમાં ૧.૫ કરોડી વધુ બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવે છે. આજનું બાળક ભારત દેશનું આવતી કાલનું ભવિષ્ય છે. આવનારા સમયમાં જીવનમાં આવતા તમામ આયામો સર કરી શકે તેના માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ખુબ આવશ્યક છે આથી રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીએ પણ આ કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ તકે સૈાનું શાબ્દીક સ્વાગત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યએ આ કાર્યક્રમમાં આંગણવાડીનાં ૦ થી ૬ વર્ષનાં બાળકો, શાળાએ જતા તમામ બાળકો, આશ્રમ તથા મદ્રેશાના તમામ બાળકો અને શાળાએ ન જતા ૦ થી ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવશે. કાર્યક્રમનાં પ્રારંભે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત હદયરોગ, એપેન્ડીકસ જેવી બિમારીની સારવાર મેળવેલ બાળકોએ મંચસ્થોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા આયોજન અધિકારી રાણા, ડો.ચૈાધરી, ડો.ડાકી, ટ્રસ્ટી નવલભાઇ ભાવસાર, જિલ્લા આયોજન અધિકારી રાણા, તાલુકા હેલ્થ ઓફીસર ડો. ચૌધરી, આર.બી.એસ.કે.ની ટીમ, આરોગ્ય સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં શાળાનાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આચાર્ય ભુપેન્દ્રભાઇ જોષીએ અને આભારવીધી નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.બી. બામરોટીયાએ કરી હતી.