જુનાગઢ આરોગ્ય વિભાગની એક પોલંપોલ સામે આવી છે. કણજા આરોગ્ય કેન્દ્રના અધિકારી છેલ્લા આઠ માસથી ફરજ પર ગયેલ નથી અને જૂનાગઢમાં એક ખાનગી દવાખાનું ચલાવી રહ્યા હોવાનું ભાજપના અગ્રણીઓને ધ્યાનમાં આવતાં, જૂનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી સહિતનો કાફલો સરકારી ડોક્ટરના ખાનગી દવાખાને પહોંચ્યો હતો, અને આ ડોક્ટર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વંથલી તાલુકાના કરઝા ગામે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ કટારીયાના સફળ પ્રયત્નો બાદ સને 2015 માં એક આધુનિક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને આ હોસ્પિટલમાં હાલમાં ડો. ટી.પી. ગઢીયા ઓન રેકોર્ડ તબીબ તરીકે સેવા આપી રહ્યા હતા. પરંતુ છેલ્લા આઠેક માસથી ડો. ગઢીયા કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ ઉપર ગયેલ નહોતા. જે અંગેની ફરિયાદો જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયા સુધી પહોંચતા આજે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જૂનાગઢ જિલ્લા ભાજપના અગ્રણી અને સહકારી ક્ષેત્રના આગેવાન દિનેશભાઈ ખટારીયા સહિતના અગ્રણીઓ જુનાગઢ જવાહર રોડ ઉપર આવેલ એક ખાનગી દવાખાને પહોંચ્યા હતા જ્યાં કણજાના તબીબ ડો. ટી.પી. ગઢીયા ખાનગી પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા. જેથી તાત્કાલિક જિલ્લા આરોગ્ય અધિકારીને આ બાબતની જાણ કરાતા આરોગ્ય વિભાગના અધિકારીઓ ટીમ સાથે આ સરકારી ડોક્ટરના ખાનગી દવાખાને પહોંચ્યા હતા અને ખાનગી પ્રેક્ટિસ કરતા સરકારી ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જો કે ભાજપના અગ્રણીઓ તથા જિલ્લા આરોગ્ય અધિકારી સમક્ષ કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો ગઢીયા જણાવી રહ્યા હતા કે, મેં આઠ મહિના પહેલા જિલ્લા આરોગ્ય અધિકારી ને રાજીનામું આપી દીધું છે. કારણ કે, મારા માતુશ્રીની તબિયત ખરાબ છે અને હું 24 કલાક સરકારને સેવા આપી શકું તેમ નથી, મારે મારી માતાને આઠથી દસ કલાક સેવા આપવી મારા માટે અગત્યની છે. જેને લઇને રાજીનામું આઠ મહિના પહેલા આપી દીધું છે.
જો કે આ ઘટાસ્ફોટ બાદ ક્યાંકને ક્યાંક જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગની લોલમલોલ સામે આવી રહી છે. કારણ કે, આઠ માસથી કણજા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી પોતાની ફરજ ઉપર હાજર થયેલ ન હતા અને અનેક ફરિયાદો થવા છતાં આઠ મહિના સુધી તબીબી ખાનગી પ્રેક્ટિસ કરતા હોવા છતાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ તબીબ સામે કોઇ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે અનેક સવાલો અને જિલ્લા આરોગ્ય તંત્ર સામે ઉઠવા પામ્યા છે. અને તંત્રની આવા કપરા સમયમાં ઘોર બેદરકારી સામે આવી છે.
સહકારી ક્ષેત્રના અગ્રણી અને જિલ્લા ભાજપના અગ્રણી દિનેશભાઈ કટારિયાએ જણાવ્યું હતું કે કણજા આરોગ્ય કેન્દ્ર તેમના પત્ની પ્રથમ વખત જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા હતા ત્યારે અધાનિક રીતે બનાવવામાં આવ્યું છે અને આ હોસ્પિટલ વંથલી તાલુકાના લોકો માટે એક આશીર્વાદ સમાન બની છે. પરંતુ છેલ્લા આઠેક માસથી કણજાના તબીબ ગેરહાજર રહેતાં આ અંગેની અમોને ફરિયાદ મળી હતી ત્યારે કણજાના સરકારી તબીબ ખાનગી પ્રેક્ટિસ કરતા મળી આવ્યા છે અને તેમની સામે હવે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.