*૧૮ સ્થળોએ ચેકિંગ હાથ ધરાયું: ૩૬ કિલો અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ
પવિત્ર શ્રાવણ માસમાં શિવભકતો ઉપવાસ અને એક ટાણા કરતા હોય છે આવામાં ફરાળી પેટીશ સહિતની ફરાળી વાનગીઓની માંગ વધુ પ્રમાણમાં રહેતી હોય અમુક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે ત્યારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફરાળી પેટીશના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પાંચને નોટિસ ફટકારવામાં આવી હતી.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ શાખા દ્વારા ફરાળી પેટીશના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ માટે ખાસ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. જે અંતર્ગત કુલ ૧૮ સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી ૧૨ સ્થળોએ ફરાળી પેટીશનું વેચાણ કરવામાં આવતું હતું.
અનહાઈજેનીક કન્ડીશન સહિતની ક્ષતિઓ જણાતા પાંચ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત પ્રિન્ટેડ પસ્તી, કલરયુકત નમકીન, દાઝયુ તેલ અને બાંધેલા લોટ સહિત કુલ ૩૬ કિલો વાસી અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.