વેરાવળ શહેરી વિસ્તારમાં સીઝનલ ફ્લુના ૩ કેસો થતા શહેરી વિસ્તારોમાં સીઝનલ ફ્લુનો વ્યાપ ઘટાડવા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એલ.આચાર્યના માર્ગદર્શન હેઠળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
વેરાવળ તાલુકાના એમ.પી.એચ.ડબ્લ્યુ અને એફ.એચ.ડબલ્યુ. ફિલ્ડ સ્ટાફની ૧૫ ટીમો તૈયાર કરી સીઝનલ ફ્લુ માર્ગદર્શિકા-પત્રિકા સાથે વેરાવળ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડોર ટુ ડોર માસ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૯૭૨ ઘરોની મુલાકાત લઈ ૫૦૬૬ વ્યક્તિઓમાંથી ૨૧ વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. અને ૨ ડોક્ટરની ટીમ દ્વારા શહેરના ખાનગી સર્જન ડોકટરો તથા બાળ રોગ નિષ્ણાંતની હોસ્પિટલોમા મુલાકત લીધી હતી.
આ રોગના લક્ષણો :- શરદી, ખાંસી અને ગળામાં દુ:ખાવો, ભારે તાવ, શરીર તુટવું અને નબળાઈ, ઝાડા કે ઝાડા-ઉલ્ટી થવી, શ્વાસ ચઢવો જેવા ન્યુમોનિયાના લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટરનો સંપર્ક કરવો અથવા એમ.બી.બી.એસ, એમ.ડી. ડોક્ટરનો સંપર્ક કરવો.
સીઝનલ ફ્લુથી સાવચેત રહેવા શું કરવું ? ખાંસી કે છીંક આવે તો મો પર રૂમાલ કે ટીસ્યુ પેપર રાખવું, નાક, મો અને આંખ પર હાથથી સ્પર્શ ન કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા (૨૦ સેક્ધડ સુધી) અથવા આલ્કોહોલ યુક્ત હેન્ડવોશ થી હાથ ધોવા, નાક અને મો ને ઢાંકતો માસ્ક કે બુકાની પહેરવી, જ્યાં ભીડ હોય ત્યાં જવાનું ટાળવું. બીમાર વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું.