અત્યંત ગંદકી વચ્ચે જલેબી બનાવવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ: જલેબીના આથાને ચોખ્ખો રાખવા ફટકડી વપરાતી હતી: સેમ્પલ લેવાયા
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શહેરના કોઠારીયા રોડ પર એક જલેબીના પ્રોડકશન યુનિટ પર દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં અત્યંત ગંદકી વચ્ચે જલેબી બનાવવામાં આવતી હતી. જલેબીના પડતર આથાને ચોખ્ખો રાખવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચેકિંગ દરમિયાન ૧૬૫ કિલો જલેબીના જથ્થાનો નાશ કરી સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા શહેરના કોઠારીયા રોડ પર રાંદલ વિદ્યાલયવાળી શેરીમાં પરેશભાઈ વંદનભાઈ વેકરીયા નામના આસામીના જલેબીના પ્રોડકશન યુનિટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
અત્યંત ગંદકી વચ્ચે જલેબી બનાવવામાં આવતી હોવાનું પકડાયું હતું. તૈયાર જલેબી અને જલેબીના આથાને પણ અનહાઈજેનિક કંડીશન વચ્ચે સ્ટોર કરવામાં આવતો હોવાનું માલુમ પડયું. કોઈ ફુડ લાયસન્સ પણ લેવામાં આવ્યું ન હોવાનું માલુમ પડયું હતું.
રોજ ૩૦૦થી વધુ કિલો જલેબીનું ઉત્પાદન કરી અલગ-અલગ વેપારીઓને આપવામાં આવતું હતું. જલેબીના આથાને ચોખ્ખો રાખવા માટે ફટકડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થળ પર અલગ-અલગ પ્રકારના વોશીંગ પાઉડર અને પ્રતિબંધિત દવાઓનો જથ્થો પણ મળી આવ્યો હતો જે સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને ૧૩૫ કિલો જેટલી જલેબીના જથ્થાનો નાશ કરી સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યું હતું.