મેક ડોનાલ્ડના કોલ્ડ સ્ટોરેજમાં વેજ અને નોનવેજ આઈટમ એકી સાથે રખાતી હતી: ૧૫૯ કિલો અખાદ્ય જથ્થાનો નાશ
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે સતત ચોથા દિવસે શહેરની નામાંકીત હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જડ્ડુ’સ ફૂડ ફિલ્ડ ઉપરાંત મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટ અને વેરોના ઈટાલીકામાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વિશ્ર્વના દરેક દેશોમાં બ્રાન્ચ ધરાવતા મેક ડોનાલ્ડ્સ રેસ્ટોરન્ટમાં કોલ્ડ સ્ટોરેજ રૂમમાં વેજ અને નોનવેજ વસ્તુ એકી સાથે રખાતું હોવાનું પકડાતા આરોગ્ય શાખાના અધિકારીઓ પણ ચોકી ઉઠયા હતા. બન્ને રેસ્ટોરન્ટમાં આજે ૧૫૯ કિલો વાસી ખોરાક નાશ કરવામાં આવ્યો હતો.આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા આજે કાલાવડ રોડ પર મેક ડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ લાયસન્સ સ્થળ પર ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યું ન હતું. સ્ટોરેજમાં એકસપાયરી આઈટમનો જથ્થો મળી આવ્યો હતો. રો-મટીરીયલ તૂટેલા જથ્થામાં જોવા મળ્યું હતું. નોનવેજ પણ પેકિંગ વગર રાખવામાં આવતું, કોલ્ડ સ્ટોરેજ રૂમમાં વેજ અને નોનવેજનો જથ્થો એકી સાથે સંગ્રહ કરવામાં આવતો હોવાનું માલુમ પડયું હતું. ચેકિંગ દરમિયાન ફૂડ લાયસન્સ સ્થળ પર ડિસ્પ્લેમાં ન રાખતા નોટિસ ફટકારવામાં આવી હતી. વેજ અને નોનવેજ અલગ અલગ રાખવા તાકીદ કરાઈ હતી. રેસ્ટોરન્ટમાં ૧૨.૫૦ કિલો ફ્રેસ બન, ૧૬ કિલો સ્કવેર બન, ૩.૫ કિલો ફ્રેમગીલ ટવેટી, ફ્રેન્ચફ્રાય અને સ્પાઈસ ચીકન સહિત કુલ ૩૫ કિલો અખાદ્ય સામગ્રીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા રોહનભાઈ કનોડીયાની માલીકીના વેરોના ઈટાલીકામાં ચેકિંગ દરમિયાન ૭ કિલો પાસ્તા, ૯ પેકેટ એકસ્પાયર ઈસ્ટ, ૨ કિલો પીઝા બન, ૩ કિલો બોઈલ પાસ્તા, ૩ કિલો બોયલ મકાઈ, ૮ કિલો મન્ચ્યુરન, ૪ કિલો બેકરી આઈટમ, ૧ કિલો પનીર પીસ, ૧૧ કિલો ચટણી, ૧૨ કિલો તૈયાર પીસ પીઝા, ૧૯ કિલો પીઝાના રોટલા, ૨૧ કિલો બાફેલા બટેટા, ૮ કિલો સોસ અને ૧૨ કિલો રાધેલા ભાત સહિત ૧૨૪ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અનહાઈઝેનીક કંડીશન અને એઠવાડના નિકાલા માટે ક્રશર ન હોય વેરોના ઈટાલીકાને નોટિસ ફટકારવામાં આવી હતી.