વાસી નુડલ્સ, મન્ચ્યુરીયન, પીઝા બન સહિત ૩૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ: ફૂડ લાયસન્સ વિના ધમધમતા હતા પીઝા પાર્લરો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા છેલ્લા એક સપ્તાહથી શહેરની નામાંકીત હોટલોમાં ચેકિંગ હાથ ધરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આજે ઉઘડતા સપ્તાહે આરોગ્ય શાખા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીઝા પાર્લરોમાં ત્રાટકી હતી. જયાં ૩૧૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ લાયસન્સ વગર પીઝા પાર્લરો ધમધમતા હતા.આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી રોડ પર કોટેચા ચોકમાં જયંતભાઈ મુલવાણીની માલીકીની પીઝાસ્ટામાં આજે ચેકિંગ દરમિયાન વાસી નુડલ્સ, મન્ચુરીયન, કાપેલા શાકભાજી, સલાડ અને ભાત સહિત ૧૩૯ કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. દુકાન પર વેઝનો લોગો લગાવવામાં આવ્યો ન હતો અને ફૂડ લાયસન્સ પણ ધરાવતા ન હતા. લાયસન્સ ન હોવા અંગે અને નિયમોનું પાલન ન થતું હોય પીઝાસ્ટાને નોટિસ ફટકારવામાં આવી હતી.આ ઉપરાંત કોટેચા ચોકમાં જીતુભાઈ પટેલના નેપલ્સ પીઝામાં ચેકિંગ દરમિયાન રાધેલા ભાત, નુડલ્સ, પાસ્તા, પીઝા બર્ન, મેગી સહિત ૯૮ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. પીઝા બેઈઝ પર તારીખ લખેલી ન હોય નેપલ્સ પીઝાને નોટિસ ફટકારવામાં આવી હતી.ત્યારબાદ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ન્યુએરી બિલ્ડીંગમાં વિશાલ બાલધાની માલીકીના પીઝા ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયાં અગાઉથી રાધેલા ભાત, મન્ચ્યુરીયન અને વાસી સ્લાડ સહિત ૭૮ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ લાયસન્સ ન હોવાનું પણ પકડાયું હતું.