એરટેલ, વોડાફોન-આઈડીયાને એજીઆર માટે ૭ મહિનામાં ૧૦ ટકા રકમ ભરવાની થતી હોય ગ્રાહકો ઉપર બોજ વધવાની શકયતા

ટેલીકોમ સેકટરમાં રિલાયન્સ જિયોના આગમન બાદ ભારતીય ગ્રાહકો માટે વોઈસ અને ડેટા ટેરીફ એકદમ સસ્તા થઈ ગયા હતા. એક સમયે ત્રણ ગણો ભાવ લેવાતો હતો જ્યારે વર્તમાન સમયે ગ્રાહકોને પોસાય તેવા ભાવે ટેલીકોમ કંપનીઓ સેવા આપી રહી છે. જો કે, હરિફાઈમાં ટકી રહેવા માટે વોડાફોન, એરટેલ સહિતની કંપનીઓને ભાવ ઘટાડવાની મજબૂરી હતી. દરમિયાન એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુની ચૂકવણી માટે સુપ્રીમ કોર્ટે આપેલા સમયગાળામાં કેટલુંક ભંડોળ એકઠુ કરવું ટેલીકોમ કંપનીઓ માટે જરૂરી છે. જેના કારણે ટેલીકોમ ઓપરેટરો ડેટા અને વોઈસ ટેરીફમાં ભાવ વધારો કરી શકે છે. એકંદરે જે લોકો વોઈસ અને ડેટાનો વધુ ઉપયોગ કરતા હશે તેમના માટે આ માઠા સમાચાર છે.

ટેલિકોમ કંપનીઓનાં બાકીનાં લેણાં એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ મામલે સુપ્રીમકોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. ભારતી એરટલે, વોડાફોન-આઈડિયા સહિત અનેક કંપનીઓએ આ બાકીનાં લેણાં ૧૦ વર્ષમાં ચૂકવવાના રહેશે. તેના માટે અમુક શરતો સાથે આ મુદત અપાઈ છે.

જસ્ટિસ અરુણ મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે મંગળવારે કંપનીઓની બાકીના એજીઆરની ચુકવણી માટે ૧૫થી ૨૦ વર્ષની મુદત આપવા સંબંધિત માગ પણ ફગાવી દીધી હતી. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી અપાયેલા ચુકાદામાં કોર્ટે કહ્યું કે ચુકવણીની સમયસીમા આગામી વર્ષે ૧ એપ્રિલથી શરૂ થશે. જોકે બાકીનાં લેણાંની ૧૦ ટકા રકમની ચુકવણી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી ટેલિકોમ વિભાગને કરવી પડશે. દર વર્ષે ૭ ફેબ્રુઆરીએ ટેલિકોમ કંપનીઓને એજીઆરની નક્કી રકમ ચૂકવવી પડશે. તેનું ફરી વેલ્યૂએશન નહીં થાય. એટલે કે જે રકમ આજે નક્કી છે તે રકમ ચૂકવવી જ પડશે.

કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટરો તથા સીઈઓએ બાકીનાં લેણાંની ચુકવણી વિશે ચાર સપ્તાહમાં વચન કે વ્યક્તિગત ગેરન્ટી આપવી પડશે. જો કંપનીઓ બાકીનાં લેણાં ચૂકવવામાં વિલંબ કે ડિફોલ્ટ કરે તો તેણે વ્યાજ અને દંડ પણ ભરવો પડશે. તેની સામે કોર્ટના આદેશોની અવમાનનાનો કેસ પણ ચાલશે. કોર્ટે કહ્યું કે, દેવાળિયા પ્રક્રિયાથી પસાર થઈ રહેલી ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રમના વેચાણ મુદ્દે એનસીએલટી નિર્ણય કરશે. કોર્ટે આ ચુકાદો ૧.૬ લાખ કરોડ રૂપિયાના બાકીના એજીઆરની ચુકવણીની સમયમર્યાદા સહિત અન્ય મુદ્દાઓ પર આપ્યો હતો. ટેલિકોમ વિભાગે શરત વિના માફીનામું દાખલ કરતા કોર્ટે તેની વિરુદ્ધ અવમાનનાની કાર્યવાહી બંધ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.