સુરેન્દ્રનગર, કેશોદ, વલસાડ, અમદાવાદ, કંડલા સહિતના શહેરોમાં કાળઝાળ ગરમી
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફેબ્રુઆરી માસમાં આકાશમાંથી અગ્નીવર્ષા થઇ રહી છે. 50 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં હિટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. માથાફાડ ગરમીના કારણે લોકો તોબા પોકારી ગયા છે. સોમવારે અમરેલી 39 ડિગ્રી સેલ્શીયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયુ હતું. રાજકોટ પણ 38.4 ડિગ્રી સાથે બીજી નંબરનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. આજે પણ હિટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન આવતીકાલથી ત્રણ થી ચાર દિવસ માટે ગરમીમાં થોડી રાહત જોવા મળશે. માસાંતે ફરી અંગ દઝાડતી ગરમીનો નવો રાઉન્ડ આવશે.
સામાન્ય રિતે ફેબ્રુઆરી માસમાં ઠંડીનો અહેસાસ થતો હોય છે. પરંતુ આ વર્ષ પૂર્વ દક્ષિણ પૂર્વના પવન ફૂંકાવાના કારણે અને એન્ટી સાયક્લોનીક સરક્યુલેશન સર્જાવાના કારણે ફેબ્રુઆરી માસમાં ઠંડીની જગ્યાએ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરી માસમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ હિટવેવની આગાહી આપવામાં આવી છે. દરમિયાન ગઇકાલે અમરેલીનું તાપમાન 39 ડિગ્રીએ પહોંચી ગયુ હતું.
જ્યારે રાજકોટનું તાપમાન 38.4 ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત ભાવનગરનું તાપમાન 35.8 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 32 ડિગ્રી, વેરાવળનું તાપમાન 29.4 ડિગ્રી, દિવનું તાપમાન 31.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 38 ડિગ્રી, મહુવાનું તાપમાન 36.8 ડિગ્રી, કેશોદનું તાપમાન 37.1 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 37.2 ડિગ્રી, ડિસાનું તાપમાન 35.2 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 36.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 36.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 37.2 ડિગ્રી, વલસાડનું તાપમાન 38 ડિગ્રી, દમણનું તાપમાન 33 ડિગ્રી, કચ્છ-ભુજનું તાપમાન 35.7 ડિગ્રી, નલીયાનું તાપમાન 29.8 ડિગ્રી, કંડલા પોર્ટ પરનું તાપમાન 36.6 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પરનું તાપમાન 37.6 ડિગ્રી નોંધાયુ હતું.
આજે પણ આકાશમાંથી અગનવર્ષા ચાલુ રહેશે. આવતીકાલથી ગરમીનું જોર થોડુ ઘટશે. દરમિયાન ફેબ્રુઆરી માસના અંતે સુર્યનારાયણ લાલચોળ બની જશે અને કાળઝાળ ગરમીનો નવો રાઉન્ડ આવશે. ફેબ્રુઆરીથી જે રિતે ગરમી એ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વર્ષ ઉનાળામાં ગરમી હાહાકાર મચાવશે. ઉનાળાના આરંભે જ પાણીની પોકાર સર્જાય જવા પામી છે. અનેક ગામોમાં અત્યારથી પાણીની સમસ્યા સર્જાઇ છે. વહેલી સવારે અને મોડી રાત્રે થોડી ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. બપોરે ઉનાળા જેવા આકરા તડકા પડી રહ્યા છે. જનજીવન કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયું છે.