- બોરીવલીના યોગીનગર સંઘમાં રાષ્ટ્રસંત નમ્રમૂનિ મ.સા.ના સાંનિધ્યે યોજાઈ સંઘ ઉર્જા શિબિર
- રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ યોગીનગર ખાતે યોજાયેલી સંઘ ઊર્જા શિબિર, ઉપસ્થિત સૌના હૃદયમાં સંઘ પ્રત્યેના નૈતિક કર્તવ્યની સમજ આપીને સાનંદ સંપન્ન થઈ હતી.
બોરીવલી સ્થિત માતુશ્રી મંજુલાબેન શાંતિલાલ વીરચંદ મોટાણી જૈન ઉપાશ્રયના આંગણે આયોજિત આ અવસરે અજરામર સંપ્રદાયના પૂજ્ય રોહિણીબાઈ મહાસતીજી, પૂજ્ય નિમગ્નાજી મહાસતીજી, બોટાદ સંપ્રદાયના પૂજ્ય વંદનાબાઈ મહાસતીજી, ગોંડલ સંપ્રદાયના પૂજ્ય પૂર્વીબાઈ મહાસતીજી, પૂજ્ય પરમ સૌમ્યાજી મહાસતીજી આદિ અનેક સતીવૃંદની ઉપસ્થિતિમાં સમસ્ત બોરીવલી, કાંદીવલી, મલાડના 17થી વધુ સંઘ પ્રતિનિધિઓની ઉપસ્થિતિ સાથે વિશાળ સંખ્યામાં ભાવિકો સંઘની અનુમોદના કરવા તેમજ સેંકડો યુવાનો પરમ ગુરુદેવના શ્રીમુખેથી લાઈફને સક્સેસફૂલ બનાવવાની ગાઈડલાઈન પામવા ઉત્સાહ ભાવથી જોડાઈ ગયાં હતાં.
મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની બ્રહ્મ સ્વરમાં જપ સાધના સાથે પરમ ગુરુદેવે પ્રેરક બોધ વચન ફરમાવતાં સમજાવ્યું હતું કે ભગવાનનું નામ લેનારા તો આ જગતમાં અનેક હોય છે પરંતુ ભગવાનનું કામ કરનારા તે સર્વશ્રેષ્ઠ હોય છે. એવા ભગવાનનું કામ કરનારા પ્રતિનિધિઓથી સંઘ હંમેશા જાગતો રહે છે. સંઘમાં જે રજ બનીને સેવા અર્પણ કરે છે તેના મસ્તકે અંતે તાજ મૂકાય છે. શ્રી સંઘ પ્રત્યે અર્પણ કરવામાં આવેલું યોગદાન કે અનુદાન તે દાન ન હોય પણ સહુનું કર્તવ્ય હોય. એવા સંઘને પોતાનું માનીને થાય એટલી સેવા અર્પણ કરી લઈએ. પરંતુ, ક્યારેય કોઈ પ્રકારનો ઈગો ન રાખીએ. ઈગો કરનારા અંતે ઝીરો બનીને રહી જાય છે. સંઘના પ્રમુખ બનીને નહીં પણ સંઘ સેવક બનીને મારે સંઘની સેવા કરવી છે, એવા ભાવ સાથે સંઘની સેવા કરીને સંઘને જાગતો રાખનારા ભાવીના તીર્થંકર પદમાં સ્થાન પામી જતાં હોય છે.
વિશેષમાં, આ અવસરે પરમ ગુરુદેવની પ્રેરણાથી સંઘ દ્વારા નિયુક્ત કરવામાં આવેલાં નૂતન પ્રમુખ સંજયભાઈ મોટાણી આદિ યુવાન પ્રતિનિધિઓ દ્વારા આગમ ગ્રંથને કરકમલમાં ધારણ કરીને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં સંઘ પ્રત્યેની નિષ્ઠાની શપથ વિધિ ગ્રહણ કરવામાં આવતાં સર્વત્ર જૈનમ જયતિ શાસનમ્ નો નાદ ગૂંજી ઉઠયો હતો. એ સાથે જ , પરમ ગુરુદેવ પ્રેરિત દર મહિને રૂ.1,000ની સંઘ રત્ન યોજનાની જાહેરાત કરવામાં આવતાં સર્વત્ર હર્ષ હર્ષ છવાયો હતો. સંઘ પ્રતિનિધિઓના હસ્તે પરમ ગુરુદેવને શાલ અર્પણ કરીને ઉપકારભાવ પ્રદર્શિત કરવામાં આવતાં સહુ અહોભાવિત થયાં હતાં.