દારૂ ના એપી સેન્ટર કુવાડવાના આંચકા બગોદરામાં પડયા
રૂ .૩૦ લાખની કિંમતના ૭,૪૪૦ બોટલ વિદેશી દારૂ સાથે હરિયાણાના બે શખ્સોની અમદાવાદ રૂરલ એલસીબીએ કરી ધરપકડ
શહેરની ભાગોળે આવેલા કુવાડવા વિસ્તારમાં વિદેશી દારૂ ના કટીંગ માટે બુટલેગરોને સારી સગવડ મળી હોવાથી એપી સેન્ટર બન્યું છે. ગઇકાલે જ ક્રાઇમ બ્રાન્ચે કુવાડવાના જીયાણા પાસેથી રૂ .૮ લાખની કિંમતના વિદેશી દારૂ ઝડપી લીધો તે દરમિયાન હરિયાણાથી રાજકોટ આવી રહેલા વિદેશી દારૂનો જંગી જથ્થો અમદાવાદ રૂરલ એલસીબી સ્ટાફે ઝડપી લીધો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હરિયાણાના એચ.આર.૭૪એ. ૩૫૯૧ નંબરના ટ્રકમાં ભુસાની નીચે છુપાવેલો વિદેશી દારૂ રાજકોટ જઇ રહ્યો હોવાની બાતમીના આધારે એલ.સી.બી. પી.આઇ. ડી.એન.પટેલ, પી.એસ.આઇ. કે.કે.જાડેજા, પી.એસ.આઇ. ડામોર, પ્રદિપસિંહ રાઠો અને ઘનશ્યામસિંહ સહિતના સ્ટાફે તારાપુરથી બગોદરા આવતા માર્ગ પર વોચ ગોઠવી હતી.
પોલીસની વોચ દરમિયાન હરિયાણાના પાસીંગના ટ્રકને અટકાવી તલાસી લેતા તેમાંથી રૂ.૩૦ લાખની કિંમતની ૬૨૦ પેટી વિદેશી દારૂ મળી આવતા હરિયાણાના ટ્રક ચાલક ઠંડીરામ આનંદસિંગ જાટ અને ધરમવીર ઓમપ્રકાશ જાટ નામના શખ્સોની ધરપકડ કરી બંનેની પૂછપરછ કરતા તેઓ રાજકોટના કુવાડવા પાસે પહોચી બુટલેગરને ફોન કરે ત્યારે તે ડીલીવરી લેવા આવવાનો હોવાની કબુલાત આપી છે.