સુરેન્દ્રનગરમાં ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલા પંચવટી કોમ્પ્લેક્ષમાં એક સાથે બે દુકાનના શટર તોડી રૂા.22 લાખ રોકડાની ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા તસ્કરને એલસીબી સ્ટાફે ઝડપી ભેદ ઉકેલ્યો છે. બંને તસ્કરોની પૂછપરછ દરમિયાન છ માસ પહેલાં માતબાર રકમનો હાથફેરો કરી મકાન ખરીદ કર્યુ, ભાઇના લીલ પરણાવ્યા, સુરધન દાદાના મંદિરમાં ફાળો આપ્યો, પત્નીને સોનાના ઘરેણા બનાવી આપ્યાની અને ધંધા માટે હોટલ ભાડે રાખ્યાની કબુલાત આપી છે. પોલીસ બંને તસ્કરો પાસેથી રૂા.3.10 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
શિહોરથી આવી છ માસ પહેલા હાથફેરો કર્યાની કબુલાત: રોકડ, સોના-ચાંદીના ઘરેણા અને મોબાઇલ મળી રૂા.3.11 લાખનો મુદામાલ કબ્જે
ચોરીના મુદામાલમાંથી બંને તસ્કરોએ મકાન ખરીદ કર્યુ, ભાઇના લીલ પરણાવ્યા, સુરધન દાદાના મંદિરમાં ફાળો આપી અને હોટલ ભાડે રાખી ધંધો શરૂ કર્યો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના પંચવટી કોમ્પ્લેક્ષમાં ગત તા.31 જાન્યુઆરીના શક્તિ ઇલેકટ્રીક અને અન્ય એક દુકાનના શટર તોડી રૂા.22 લાખ રોકડાની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ચોરીનો ભેદ ઉકેલવા રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંધ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાના માર્ગ દર્શન હેઠળ એલસીબી સ્ટાફે સીસીટીવી ફુટેજ મેપ તૈયાર કરી ચોરીના ગુનામાં સંડોવાયેલા મુળ દામનગરના અને હાલ શિહોર રહેતા અરવિંદ ઉર્ફે રાજુ હિમત મકવાણા અને વિજય ઉર્ફે કાદર હિમત મકવાણા નામના શખ્સોને રૂા.3.10 લાખના મુદામાલ સાથે ઝડપી લીધા છે.
ચોરી કર્યા બાદ બંને ભાઇઓએ ભાગ પાડયા હતા જેમાં અરવિંદ ઉર્ફે રાજુના ભાગે રૂા.4 લાખ આવ્યા હતા. તેમાંથી તેને રૂા.1.53 લાખની કિંમતના સોના-ચાંદીના ઘરેણા લીધા, બે મોબાઇલ લીધા અને એક્ટિવા ખરીદ કર્યુ હતુ. જ્યારે વિજય ઉર્ફે કાદરના ભાગે રૂા.18 લાખ આવ્યા હતા તેમાંથી તેને બોટાદમાં રૂા.6 લાખનું મકાન ખરીદ કર્યુ, બાબરા પાસે હોટલ ભાડે રાખી હતી તેમા રૂા.1.50 લાખનો ખર્ચ કર્યો છે. મોટા ભાઇના લીલ પરણાવ્યા, સુરધન દાદાના મંદિરમાં રૂા.25 હજારનો ફાળો આપ્યો હતો. અગાઉ ચોરીના ગુનામાં પકડાયો હતો ત્યારે વકીલની ફી બાકી હતી તે રૂા.50 હજાર ચુકવ્યા અને રૂા.1 લાખની કિંમતના સોનાના ઘરેણા પત્નીને લઇ આપ્યાની કબુલાત આપી છે.
અરવિંદ ઉર્ફે રાજુ અને તેનો ભાઇ વિજય ઉર્ફે કાદર આ પહેલાં દામનગર, ભાવનગર, અમરેલી અને પાલિતાણામાં ચોરીના ગુનામાં ઝડપાયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બંને તસ્કરોને ઝડપી લેવામાં એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, પી.એસ.આઇ. વી.આર.જાડેજા, એએસઆઇ નરેન્દ્રસિંહ, વાજસુરભા અને જુવાનસિંહ સહિતના સ્ટાફને સફળતા મળી છે.