પાલિકાને પાંચ મુદ્દા સાથે આવેદનપત્ર પાઠવ્યુ
હળવદ કોંગ્રેસ સમીતી દ્વારા શહેરમાં પાલીકા દ્વારા થતા કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચારના પુતળાને બાળવામાં આવ્યું હતું. સાથે જ પાલિકા કચેરીએ ધસી જઈ વિવિધ પાંચ માંગ સાથેનું આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજયમાં એક માત્ર ભાજપ શાસીત બીનહરીફ બનેલી હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનો સનસનીખેજ આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.
હળવદમાં પાલિકા દ્વારા ભુગર્ભ ગટરમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સાથે જ શહેરમાં નાખવામાં આવતી એલ.ઈ.ડી. લાઈટોની બજાર કિંમત કરતા વધુ કિંમત દર્શાવી હલકી ગુણવતાવાળા લાઈટો નાખવામાં આવે છે. જે નાખ્યા બાદ પણ મોટાભાગની બંધ હાલતમાં જ છે તેમજ શહેરમાં વિવિધ જગ્યાએ વરસાદને કારણે ભરાયેલ પાણી પાલિકા દ્વારા નહીં કાઢવામાં આવતા હોવાની ચારેબાજુ દુર્ગંધવાળા પાણીને કારણે શહેરમાં રોગચાળો વકર્યા છે. રસ્તાઓ પરના ગેરકાયદેસર દબાણારેના લીધે શહેરમાં ભારે ટ્રાફિક થતું હોય છે. શહેરમાં મોટાભાગનાં વિસ્તારોમાં રસ્તાઓ યોગ્ય નહીં બનાવવામાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને જો માંગને ધ્યાને નહીં લેવામાં આવે તો પાલિકા સામે પ્રતિક ઉપવાસ, તાળાબંધી તેમજ કોર્ટ સુધી જવાની ચીમકી ઉચારવામાં આવી છે.
આ તકે હળવદ કોંગ્રેસ સમીતીના પ્રમુખ ડો.રાણા, તાલુકા પંચાયતનાં પ્રમુખ ગીતાબેન, જિલ્લા પંચાયતના સદસ્ય હેમાંગભાઈ રાવલ, યુવા પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, કોંગ્રેસ મહામંત્રી ભીખાભાઈ પટેલ, અનિરુધ્ધસિંહ ખેર, શૈલેષભાઈ સહિતનાઓ હાજર રહ્યાં હતા.