જામનગરના દરેડની વાગદતાએ સગાઈ ફોક કરતા મંગેતરે ક્રુરતાથી કરી હત્યા
અબતક,જામનગર
જામનગરના દરેડ વિસ્તારમાં એક યુવતીની સળગાયેલી હાલતમાં લાશ મળી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતક યુવતીએ પુન: સગાઈ કરવાની ના કહેતા પૂર્વ મંગેતરે જ મોતને ઘાટ ઉતારી મૃતદેહ સળગાવીને લાશને ખાડામાં ફેંકી દેવાનો પ્રયાસ કર્યો હોવાના ચોકાવનારા ખુલાસા થયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના દરેડ વિસ્તારમાં હત્યા કરી યુવતીનો મૃતદેહને સળગાવી દેવાનો પ્રયાસ થયો હોવાની ઘટના પોલીસને જાણ થતાં તુરંત તપાસ હાથ ધરી હતી.
પોલીસે મૃતદેહ આશરે 22 વર્ષની યુવતીનો મૃતદેહ હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારો ગુમ થયેલી યુવતી અંગે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આ મૃતદેહ દરેડ નજીક મુરલીધર પાર્ક સોસાયટી-2માં રહેતી અને કારખાનામાં મજુરી કરતી ભારતીબેન ઉર્ફે આરતી જીવરાજભાઈ હીંગળા (ઉ.વ.21)ની હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે તુરંત મૃતક યુવતીના ભાઈ અમિતની પુછતાછ કરી હતી.
જેમાં અમિતે પોતાની બહેન ગત તા.8મી ડિસેમ્બરના કારખાને હતી ત્યારે મૂળ પોરબંદરના કુકડા ગામનો કરણ શંકરભાઈ સાદીયા તેને પોતાના બાઈક પર લઈ ગયો હતો ત્યારથી ગૂમ હોવાનું જણાવ્યું હતું.
જેથી જામનગર પોલીસે કરણ સાદીયાની શોધખોળ હાથધરી હતી. જેમાં પેરોલ ફર્લો સ્કવોર્ડ જામનગરની ટીમે કરણને દબોચી લઈ સઘન પૂછતાછ હાથ ધરી હતી.
જેમાં કરણ સાદીયાએ જ આરતીને મોતને ઘાટ ઉતારી યુવતીના મૃતદેહને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પગ ન સળગતા આરોપી કરણે તેને ઢસડી લાશને પાણીના ખાડામાં નાખવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ અમિતનું સગપણ કરણની બહેન સાથે કરવામાં આવ્યું હતું. જેથી કરણ સાથે આરતીનું સગપણ થયું હતું. પરંતુ થોડા દિવસો પહેલા જ અમિતના પરિવારજનોએ બંને સગપણ તોડી નાખ્યા હતાં. જેના મનદુ:ખમાં જ કરણ આરતીનું અપહરણ કરી અવાવરૂ વિસ્તારમાં લઈ જઈ આરતીને મોતને ઘાટ ઉતારી લાશને સળગાવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે હત્યાનો ગુનો નોંધી કોણે મદદગારી કરી તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.