કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ડોનાલ્ડ ટ્રમ્પ હાઈડ્રોકસીકલોરોક્વીન દવાનો ઉપયોગ નિયમિત કરી રહ્યા છે
વિશ્વભરમાં જે રીતે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તેનાથી બચવા માટે દેશ-વિદેશમાં કોરોનાની દવા શોધવા માટે અનેકગણી મથામણ થઈ રહી છે પરંતુ એક વાત એવી પણ સામે આવી છે કે, અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોનાથી બચવા માટે એચસીકયુ એટલે કે હાઈડ્રોકસીકલોરોફીન ગત એક સપ્તાહથી પ્રતિ દિવસ લઈ રહ્યા છે. ટ્રમ્પનાં સુત્રોનાં જણાવ્યા મુજબ આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે દવા લેવામાં આવી રહી છે તે એન્ટી મેલેરિયા દવા હોવાનું પણ સામે આવ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં જણાવ્યા મુજબ તેને પણ કોરોના રીપોર્ટ કરાવ્યો હતો પરંતુ કોરોના રીપોર્ટ નેગેટીવ આવ્યો હતો. પ્રિવેન્ટીવ પગલાને લઈ હાલ ડોનાલ્ડ ટ્રમ્પ એન્ટી મેલેરિયાની દવા ગત એક સપ્તાહથી લઈ રહ્યા હોવાનું સુત્રો દ્વારા પણ જાણવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચસીકયુ દવાને પ્રમોટ પણ કરી હતી. જયારે અમેરિકાનાં અનેકવિધ ડોકટરોએ એચસીકયુ દવા હિતાવહ ન હોવાનું પણ જણાવ્યું હતું. કોરોનાને લઈ અમેરિકામાં મૃત્યુઆંક ૯૦ હજારને પાર પહોંચ્યો છે. ટ્રમ્પનાં જણાવ્યા મુજબ એચસીકયુ દવાની પરવાનગી વાઈસ હાઉસનાં ફિઝીશીયન દ્વારા આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું અને અનેકવિધ ડોકટરોએ આ અંગે નનૈયો પણ કર્યો હતો. વધુમાં ટ્રમ્પ દ્વારા એ પણ માહિતી આપવામાં આવી હતી કે એચસીકયુ દવાને લઈ અનેકવિધ લોકો પાસેથી પોઝીટીવ ફોન પણ આવેલા છે અને તેની ઉપયોગીતા વિશે પણ જણાવ્યું છે.
ડોકટરો એચસીકયુ દવાને હિતાવહ ન માનતા અમેરિકામાં અનેકવિધ લોકોને એચસીકયુ દવા આપવામાં આવી રહી છે જેની આડઅસર હજુ સુધી જોવા મળી નથી. જયારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા હાઈડ્રોકસીકલોરોફીન દવા કોરોનાનાં જંગ સામે યોગ્ય ન હોવાનું પણ જણાવ્યું હતું પરંતુ ટ્રમ્પનાં જણાવ્યા મુજબ એચસીકયુ દવાની આડ અસર ન હોવાથી તેનો ઉપયોગ કરી શકાય તેમ પણ જાણવામાં આવ્યું છે. ગત માસમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, હાઈડ્રોકસીકલોરોફીન દવા ઝીન્ક સલ્ફેટ સાથે ખોરાકમાં લેવામાં આવે તો આ બંને દવાઓ કોરોના સામે લડવા માટે અત્યંત કારગત નિવડશે પરંતુ બીજી તરફ બરાક ઓબામાની સરકાર વખતે કામ કરેલા મેથ્યુ હેન્ગ્ઝે એ વાત જણાવતા કહ્યું હતું કે, એચસીકયુ દવા લેવાનો કોઈ જ અર્થ રહેતો નથી જયારે બીજીતરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા એચસીકયુ દવાને માન્યતા આપવામાં આવી નથી જેથી તેનો ઉપયોગ યોગ્ય ન કહી શકાય.