જામીન પરથી ફરાર શખ્સને બે વર્ષની સજા ફટકારતી હાઇકોર્ટ
જેલ હવાલે થયેલા કેદીઓ પેરોલ પર છુટીને ફરી જેલમાં હાજર ન થઇ ફરાર થઇ જતા હોવાથી રાજયની વડી અદાલતે કડક વલણ અપનાવી ફરાર થયેલા એક કેદીને બે વર્ષની સજા ફટકારી છે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટીશ ઝેડ.કે.સૈયદ પેરોલ પરથી ભાગી જવાના એક કેસમાં મહત્વનો ચુકાદો આપી પેરોલ પર છુટી ફરાર થતા કેદીઓને દાખલા‚પ સજા ફટકારી છે.
પેરોલ પરથી છુટીને ફરાર થતા કેદીઓને ઝડપી લેવા માટે રાજય સરકાર દ્વારા પેરોલ ફર્લો સ્કવોડની રચના કરી છે તેમ છતાં ઘણા કેદીઓ પેરોલ મેળવી ફરી જેલમાં હાજર ન થતા હોવાથી અદાલતે પણ કડક વલણ અપનાવી કેદીઓને સબક શિખવવા સજા ફટકારી છે.
જૂનાગઢના ભગવાનજી કોડીયાતર નામના કેદી સાબરમતી જેલમાં હતો ત્યારે તેને તા.૧૫ ફેબ્રુઆરીના રોજ ૧૫ દિવસના પેરોલ મંજુર કરવામાં આવ્યા હતા. પંદર દિવસમાં ફરી જેલમાં હાજર થવાના બદલે ફરાર થઇ ગયો હતો અને અઢી વર્ષ પહેલા ભગવાનજી કોડીયાતરની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. જેલ સતાવાળાઓ દ્વારા ભગવાનજી કોડીયાતર સામે કાર્યવાહી કરી હતી. જૂનાગઢની અદાલતે તેને પેરોલ પર છૂટી ફરાર થવા અંગેના કેસની સુનાવણી પુરી થતા બે વર્ષની સજા ફટકારી હતી. બે વર્ષની સજા સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી પુરી થતા હાઇકોર્ટના જસ્ટીશ ઝેડ.કે.સૈયદની કોર્ટમાં સુનાવણી થતા તેઓએ જૂનાગઢની કોર્ટનો હુકમ ગ્રાહ્ય રાખી બે વર્ષની સજા યથાવત રાખી હતી.
ભગવાનજી કોડીયાતર દ્વારા પોતાના ઘરની આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી તે ફરાર રહ્યો હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો. ત્યારે અદાલતે તેનો બચાવ ગ્રાહ્ય રાખ્યો ન હતો.