આગામી ૪ સપ્તાહમાં તપાસ પૂર્ણ ન થાય તો સીબીઆઈના ડાયરેકટર આર.કે. શુકલાને કોર્ટમાં હાજર રહેવા કરાયો આદેશ

લાંચ કેસમાં સંડોવણી હોવાનું ખુલતા રાકેશ અસ્થાના પર સીબીઆઈ તપાસ આગામી ૪ સપ્તાહમાં પુરી કરવાનો હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાઈકોર્ટના જણાવ્યા અનુસાર સીબીઆઈએ તેમની ઈન્વેસ્ટીગેશનનો ફાઈનલ રીપોર્ટ નીચલી કોર્ટમાં ૪ સપ્તાહમાં રજુ કરવાનો પણ જણાવ્યું છે. વધુમાં કોર્ટે તાકીદ કરતા જણાવ્યું હતું કે, જો આગામી ચાર સપ્તાહમાં પૂર્વ સીબીઆઈના સ્પેશિયલ ડાયરેકટર રાકેશ અસ્થાના વિરુઘ્ધ કાર્યવાહી પૂર્ણ ન થાય તો સીબીઆઈનાં ડાયરેકટર આર.કે. શુકલાએ પણ કોર્ટ દ્વારા આપવામાં આવેલી તારીખે કોર્ટમાં હાજર રહેવું પડશે.

સુત્રોનાં જણાવ્યા અનુસાર આ મુદ્દાને લઈ કોર્ટે ૧૨ ફેબ્રુઆરીનો દિવસ સુનાવણી માટે આપવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે. દિલ્હી હાઈકોર્ટે બુધવારના રોજ સીબીઆઈના ડાયરેકટર આર.કે. શુકલાને ૧૨મી ફેબ્રુઆરીનાં રોજ હાજર રહેવા માટેનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે. આ તકે ન્યાયમૂર્તિ દ્વારા કેસને લઈ અનેક અદાલતોનાં આદેશો પસાર કર્યા હોવા છતાં તપાસનાં નિષ્કર્ષ માટે વારંવાર સમય બદલાવાની માંગ બદલ નિયત સમય મર્યાદામાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ કેસને લઈ કોર્ટે અનેકવિધ ઓર્ડર પસાર કર્યા છે તેમ છતાં સીબીઆઈએ કોર્ટનાં ઓર્ડરનું ઉલ્લંઘન કર્યું છે ત્યારે કોર્ટે પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ કેસને લઈ હવે વધુનો સમય આપવામાં આવશે નહીં અને કોઈપણ પ્રકારની રાહત પણ નહીં અપાય.

કોર્ટે જણાવ્યું હતું કે, સુનાવણી આગામી તારીખ પૂર્વે જો તપાસ પૂર્ણ નહીં થાય અને સીબીઆઈ આ કેસ અંગે વધુ સમય માંગવાની અરજી કરશે તો કોર્ટ તે અરજીને નિ:ઉપયોગી બનાવી તેને ફગાવી દેવામાં આવશે કારણકે કોર્ટ દ્વારા આ કેસને લઈ ઘણો ખરો સમય આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  કોર્ટનાં જણાવ્યા અનુસાર સીબીઆઈ સમક્ષ હાજર રહેલા એડિશનલ સોલીસીટર જનરલે સીલ બંધ કવરમાં સ્ટેટસ રીપોર્ટ આપ્યો હતો અને તપાસ પૂર્ણ કરવા માટે સમય વધારવાની માંગ પણ કરી હતી. રાકેશ અસ્થાના તરફથી લડી રહેલા વરિષ્ઠ વકિલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, કોર્ટ સીબીઆઈને સમય આપી શકે છે પરંતુ માત્ર એક શરત પર કે જો સીબીઆઈએ અનેક અરજીઓ સાથે કોર્ટનો સંપર્ક કર્યો હોય. તેઓએ જણાવ્યું હતું કે, એએસજી તપાસ પુરી કરવામાં કેટલો સમય લાગશે તે કહેવું હાલ મુશ્કેલ છે. કોર્ટ દ્વારા સમય મર્યાદા સ્પષ્ટ કરવા છતાં પણ સીબીઆઈ દ્વારા તપાસ પૂર્ણ કરવામાં ન આવતા અદાલતે ગત સુનાવણીમાં સ્પષ્ટ કર્યું હતું કે, એજન્સીને આગળ કોઈ સમય આપવામાં આવશે નહીં ત્યારે હાલની સ્થિતિ પર જો નજર કેન્દ્રિત કરવામાં આવે તો એજન્સી દ્વારા રાકેશ અસ્થાનાના કેસને લઈ હજુ સુધી તપાસ પૂર્ણ થયેલ નથી તેમ કોર્ટે પણ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.