મધ્યપ્રદેશના ૧૧ શહેરોની ગટરનું પાણી ઠલવાય છે નર્મદામાં: હાઈકોર્ટે કરી લાલ આંખ
નર્મદાનું પાણી ગુજરાતની જીવાદોરી સમાન છે. માટે નમામી દેવી નર્મદે તરીકે નર્મદાને માં ગણવામાં આવે છે. પરંતુ મધ્યપ્રદેશના કારણે નર્મદા પ્રદુષિત થઈ
રહી છે.
નર્મદા નદીમાં ગટરનું પાણી છોડવામાં આવે છે.
આ મુદ્દે મધ્યપ્રદેશ અને કેન્દ્રને ગુજરાત હાઈકોર્ટે નોટિસ
ફટકારી છે.
ગુજરાત હાઈકોર્ટે ગઈકાલે કેન્દ્રીય મંત્રાલય, તેમજ મધ્યપ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. મધ્યપ્રદેશના ૧૧ શહેરોનું ગટરનું પાણી નર્મદા નદીમાં ઠલવવામાં આવતું હોય નર્મદા પ્રદુષિત બની રહી છે. આ મુદ્દે પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી અને નર્મદામાં ગટરનું પાણી ઠાલવવામાં ન આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
કિર્તીકુમાર ભટ્ટ નામના અરજદાર (વકીલ)એ મધ્યપ્રદેશ દ્વારા નર્મદા પ્રદુષિત કરવા મુદ્દે પીઆઈએલ દાખલ કરાઈ હતી. નર્મદાનું પાણી ગંદુ કરવા મુદ્દે સજાની માંગણી કરી હતી.
મધ્યપ્રદેશ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ મુદ્દે પગલા લેવામાં નિષ્ફળ રહેતા તેની સામે પગલા લેવા દલીલ થઈ હતી.
નર્મદાના પાણીમાં ૧૧ શહેરોની ગટરોનું ગંદુ પાણી ભેળવાતા ગુજરાતમાં લોકોનું સ્વાસ્થ્ય જોખમાયું છે.
ગુજરાતમાં નર્મદાનું પાણી પીવા માટે વાપરવામાં આવે છે જેમાં ગંદકી પડી રહી છે. અરજદારે હાઈકોર્ટમાં દલીલ કરી છે કે, નર્મદા મધ્યપ્રદેશના ૧૪ જિલ્લા અને ૧૧ મુખ્ય શહેરોમાંથી પસાર થાય છે. જેમાંથી તમામ શહેરો ગટરનું ગંદુ પાણી ઠાલવે છે અને નર્મદાને પ્રદુષિત કરતા રોકવામાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નિષ્ફળ રહ્યું છે.પ્રદુષણ મુદ્દે અવાર-નવાર અરજીઓ થઈ હોવા છતાં યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી. નર્મદાને ચોખ્ખી રાખવા માટે કેન્દ્ર સરકારની પણ જવાબદારી બને છે.
હાઈકોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને મધ્યપ્રદેશ સરકારને નર્મદામાં ઠલવાતું ગટરનું પાણી રોકવા તત્કાલ નોટિસ આપી છે.