રાજકોટમાં દિવાળી તહેવાર નિમિત્તે ફટાકડા ફોડવા બાબતે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં દિવાળીના દિવસે આઠથી દસ વાગ્યા સુધીના રાત્રિના ફટાકડા ફોડી શકાશે તે ઉપરાંત ચાઈનીઝ તુક્કલ અને જાહેર રસ્તા ઉપર ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ ફરમાવતું જાહેર નવો બહાર પાડ્યું છે.2015ની સાલમાં સુપ્રિમ કોર્ટમાં રીટ પીટીશન થઈ હતી. જેના પગલે 2018ની સાલમાં સુપ્રિમ કોર્ટે ફટાકડા ફોડવા સંબંધે કેટલાક આદેશો જારી કર્યા હતા. જેને ધ્યાને લઈ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું છે.
ચાઈનીઝ તુક્કલ પર પણ અને જાહેર રસ્તાઓ ઉપર ફટાકડા ફોડવા પર પ્રતિબંધનું પોલીસ કમિશનરનું જાહેરનામું
રાત્રિના 8 થી 10 વાગ્યાના સમય ગાળા સિવાય અન્ય સમયે ફટાકડા ફોડનાર સામે થશે કાર્યવાહી
રાજકોટના પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવાયું છે કે દિવાળી, દેવ દિવાળી અને અન્ય તહેવાર દરમિયાન રાત્રે 8 થી રાત્રે 10 સુધી જ – ફટાકડા ફોડી શકાશે. પ્રદુષણનું પ્રમાણ વધે નહી તે માટે પેટ્રોલિયમ એન્ડ એકસપ્લોઝીવ સેફટી ઓર્ગેનાઈઝેશન (પી.ઇ.એસ.ઓ) દ્વારા અધિકૃત બનાવટવાળા ગ્રીન ફાયર ક્રેકર્સનું જ વેચાણ અને ઉપયોગ કરી શકાશે.લોકોને અગવડ ઉભી થાય કે કોઈ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ થાય તે રીતે બજારો, શેરીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, સીએનજી પંપ, એલપીજી બોટીંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો નજીક કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.તમામ કોર્ટ-કચેરી, હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો અને એરપોર્ટનજીકના 100 મીટરના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવે છે જેથી આ તમામ પ્રકારના વિસ્તારોમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટન (ચાઈનીઝ તુકકલ, આતશબાજી બલુન)નું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં કે કોઈપણ સ્થળે ઉડાડી પણ શકાશે નહીં. વિદેશી ફટાકડાની આયાત, વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવામાટે પી.ઇ.એસ.ઓ દ્વારા અધિકૃત બનાવટવાળા ફટાકડા વેચી અને વાપરી શકાશે. ફટાકડાના દરેક બોકસ ઉપર પી.ઇ.એસ.ઓની સૂચના પ્રમાણેનું માર્કિંગ જરૂરી રહેશે.
જ્યારે ઓનલાઈન ફટાકડાનું વેચાણ કરી શકાશે નહીં. લાયસન્સ ધરાવતા વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થય માટે હાનિકારક હોવાથી ઉપરાંત વધુ પ્રમાણમાં હવાનું પ્રદૂષણ અને ઘન કચરો પેદા કરતા હોવાથી તેની ઉપર પણ સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.