‘નેટફ્લિક્સ એન્ડ ચિલ’ના હેશટેગિયા ટ્રેન્ડનું અનુસરણ કરનારા રસિકો ફક્ત અડધી કલાકના વેબ-શો બાદ વિશ્વને 1.6 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડની ભેટ આપે છે!
સોશિયલ મીડિયા અને હાઇ-ડેફિનેશન, 4K ટેલિવિઝન બોક્સને લીધે ઑનલાઇન વીડિયો જોવાનું પ્રમાણ એટલી હદ્દે વધી ગયું છે કે આપણે પ્રતિ વર્ષ 300 મિલિયન ટનનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ વાતાવરણમાં ઠાલવીએ છીએ
ઘરની ચાર દિવાલો વચ્ચે બેસીને OTT (ઑવર ધ ટોપ) પ્લેટફોર્મ પર શાંતિથી પોતાના મનગમતાં વેબ-શો કે ફિલ્મ જોવી એ નડતરરૂપ બાબત કેવી રીતે હોઈ શકે? નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર, યુટ્યુબ, ઑલ્ટ બાલાજી, ઝી-ફાઇવ કે વૂટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પરની વેબ-સીરિઝ આપણી પૃથ્વીને પ્રદૂષિત કરી શકે? જી, બિલ્કુલ. નેટફ્લિક્સ સહિતના અન્ય પ્લેટફોર્મ પર પોતાનું મનગમતું ક્ધટેન્ટ જોઈ રહેલો કોઈ પણ પ્રેક્ષક દર અડધી કલાકે પૃથ્વીના વાતાવરણમાં 1.6 કિલોગ્રામ Co2 (કાર્બન ડાયોક્સાઇડ વાયુ) ઠાલવે છે. સાવ સરળ ભાષામાં કહેવું હોય તો, કારચાલક સળંગ 6.28 કિલોમીટર સુધી પોતાનું વાહન ચલાવે ત્યારે જેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, એટલો જ વાયુ આપણે અડધી કલાક સુધી નેટફ્લિક્સ જોયા બાદ ઉત્સર્જિત કરીએ છીએ!
ટેક્નોલોજીની પેચિંદી આંટીઘૂંટીમાં અટવાયા વગર આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ. ડિજિટલ વીડિયોની સાઇઝ બહુ જ વધારે હોય છે. વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટા પર હાઇ-ડેફિનેશન ફિલ્મ ડાઉનલોડ કરો, ત્યારે મોટેભાગે એ બે-ત્રણ જીબીની હોય છે. પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પરનાં વીડિયો વધારે મોટા કદનાં થતાં જાય છે. જેટલો વધુ ડેટા, એટલી વધારે એનર્જી તેને સાચવવા માટે ખર્ચાઈ જાય છે! જેના માટે મસમોટા ડેટા સેન્ટર્સ અને સિસ્ટમ ઉભી કરવી પડે છે. આવા ડેટા-સેન્ટર્સને કાર્યરત રાખવા માટે જે ઊર્જાની જરૂર પડે છે, તે આપણે કોલસા સહિતના અન્ય ઈંધણમાંથી મેળવીએ છીએ, જે છેવટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં ઠાલવે છે.
નવી પેઢી માટે નેટફ્લિક્સ વરદાનરૂપ પ્લેટફોર્મ છે. ઇચ્છા પડે ત્યારે મોબાઇલ કે ટીવીમાં ફક્ત એક ક્લિકના માધ્યમથી તેને ગમે તે જગ્યાએ એક્સેસ કરી શકાય એમ છે. લગભગ દરેક ભાષાનું ક્ધટેન્ટ તેના પર ઉપલબ્ધ છે. દરેક પ્રકારના પ્રેક્ષકવર્ગ માટે ત્યાં કંઈક ને કંઈક છે. વળી, એક સીરિઝ અથવા ફિલ્મ પૂરી કરો ત્યારબાદ આવતો ઑટો-પ્લેનો વિકલ્પ પણ ખરો! દર્શકને પોતાની બેઠક પરથી ઉભો ન થવા દેવો, એ દરેક ડિજિટલ પ્લેટફોર્મનો મૂળ મંત્ર બની ગયો છે. નેટફ્લિક્સ સ્વીકારે છે કે, તેમની ઇન્ટરનેશનલ રેવન્યુમાં 53 ટકાનો વધારો નોંધાયો છે. સ્પર્ધાની બીકે દરેક પ્લેટફોર્મના સબસ્ક્રિપ્શન રેટ ઘટવા માંડ્યા છે. મહિને 500 રૂપિયાના ભાવે મળતું નેટફ્લિક્સ હવે 200 રૂપિયામાં પણ ઉપલબ્ધ છે. મનોરંજનની સસ્તી જાત્રા તો કોને ન ગમે? એક અનુમાન એ પણ છે કે, 2022 સુધીમાં વેબ-ટ્રાફિક ચાર ગણો વધી જશે!
1995-97નો જમાનો યાદ કરીએ તો સમજાય સાહેબ કે, 22 ઇંચના ઇડિયટ-બોક્સનું સ્થાન આજે 50 ઇંચના સ્ક્રીને લઈ લીધું છે. એમેઝોન ફાયર ટીવી-સ્ટિક અને ટેલિવિઝન-સેટમાં આવી ગયેલી ઇન્ટરનેટ પોર્ટેબિલિટીને કારણે લોકો વેબ-શો મોટા પડદા પર જોવાનું જ વધારે પસંદ કરે છે. સ્વાભાવિક છે કે, મોટા પડદા પર બફર થતો વીડિયો HD (હાઇ-ડેફિનેશન) જ હોવાનો! એમાં વળી 4k અને 8k સ્ક્રીનના લીધે ડેટા-સેન્ટર્સ દ્વારા ખર્ચાતી ઊર્જામાં 30 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભવિષ્યમાં આ આંકડાઓ હજુ ઘણાં ઉછળશે એ પણ નક્કી છે. મુદ્દો એ છે કે ભારત આ મામલે અત્યારે કયા મેદાનમાં યુદ્ધ લડી રહ્યું છે? શું છે આપણા દેશની સ્થિતિ?
આંકડાઓ કંઈ બહુ સારા કહી શકાય એવા નથી. વાસ્તવિક પરિસ્થિતિનો ક્યાસ કાઢવા માટે ભાભા પરમાણુ કેન્દ્રના નિવૃત વૈજ્ઞાનિક પરેશ વૈદ્ય સાથે થયેલી વાતચીત દરમિયાન ઘણી બાબતો જાણવા મળી. અમેરિકા, ચીન અને ભારતની ઊર્જા માટેની માંગમાં છેલ્લા કેટલાક સમયની અંદર 70 ટકાનો ઉછાળો આવ્યો છે. પર્યાવરણની સલામતી નિશ્ચિત કરતા પેરિસ એગ્રીમેન્ટમાંથી અમેરિકાએ તો પહેલેથી જ પોતાના હાથ ઊંચા કરી દીધાં છે. ટ્રમ્પનું કહેવું છે કે એગ્રીમેન્ટનો ભાગ બન્યા રહેવાથી અમેરિકાનું અર્થતંત્ર ખાડે જઈ શકે એમ છે. સામે પક્ષે, તેઓ આપણા દેશ પાસેથી એવી અપેક્ષા રાખીને બેઠા છે કે, ઊર્જાની માંગ અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અહીંથી ઓછું થાય તો સારું! દેખીતી રીતે આ શક્ય જ નથી સાહેબ. ભારત હજુ વિકાસશીલ દેશ છે. કેટકેટલાય ગામડાંઓ હજુ ય એવા છે, જ્યાં વીજળીના તાર નથી પહોંચ્યા. ભારતનો વસ્તીવધારો તમામ સમસ્યાનું મૂળ છે. માથાદીઠ થતું કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન અહીં સાવ નિમ્ન કહી શકાય એટલું છે. આમ છતાં વ્યક્તિગત નહીં, પરંતુ સવાસો કરોડના સમૂહની વાત આવે ત્યારે આ પ્રમાણ ખૂબ વધી જાય છે, જેને લીધે વિશ્વનું ધ્યાન આપણા તરફ દોરાઈ રહ્યું છે.
વિરોધાભાસ જુઓ સાહેબ, નવિનીકરણીય (રિન્યુએબલ) જેમકે, સોલાર-પાવર, પવનચક્કી, ટર્બાઇન દ્વારા ઉત્પન્ન થતી ઊર્જામાં 10.6 ટકાનો વધારો થયો હોવા છતાં ભારત પ્રદૂષણ ઘટાડવામાં સફળ નથી થઈ શક્યું. કારણ? વસ્તીવિસ્ફોટ. 2030 સુધીમાં ઊર્જાના 40 ટકા સ્ત્રોતો કુદરતી અને પુન:વપરાશમાં લઈ શકાય એવા હશે, એ પ્રકારના વાયદાઓ ભારતે આપ્યા છે, પરંતુ વચનપૂર્તિ માટે જરૂરી 150 ટ્રીલિયન રૂપિયા ક્યાંથી આવશે એ નથી કહેવામાં આવ્યું!
રખે ને એમ માની લેતાં કે ડિજિટલ પ્લેટફોર્મ જ પ્રદૂષણનું એકમાત્ર કારણ છે! ના. પોર્નોગ્રાફિક વેબસાઇટ્સ પણ આના માટે જવાબદાર છે. ઓનલાઇન ક્ધટેન્ટ જોવાથી વાતાવરણમાં ઠલવાતાં 300 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ વાયુનો 27 ટકા ભાગ (82 મિલિયન ટન) પોર્ન વીડિયો રોકે છે! નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમ જેવા ડિજિટલ પ્લેટફોર્મ તો હજુ ય સબસ્ક્રિપ્શન માંગે છે, પરંતુ પોર્ન વેબસાઇટ્સ તો સાવ મફત છે. ગૂગલ કરો અને વીડિયો ઑન કરો, એટલું સરળ! કોઈ લોગ-ઇન કે સાઇન-અપની જરૂર નથી. જેના કારણે ત્યાં અવારનવાર મુલાકાત લેવી માણસને ગમે છે. એમાં 5ૠના ભણકારા પણ સંભળાઈ રહ્યા છે. ત્યારબાદ તો ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા જોવાતાં ક્ધટેન્ટની માત્રા કેટલી હદ્દે વધશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એકે ય દેશની સરકાર હજુ આ મામલે ગંભીરતા નથી દાખવી રહી. સ્માર્ટફોન, ટીવી, ડેટા સેન્ટર અને કમ્પ્યુટર દ્વારા પૃથ્વીના ઉપલા સ્તરમાં કુલ 4 ટકા ગ્રીનહાઉસ વાયુ ઠલવાય છે, જે એરલાઇન ઇન્ડસ્ટ્રી (2.5 ટકા) દ્વારા ઉત્સર્જિત થતાં ગ્રીનહાઉસ વાયુ કરતા લગભગ બમણું છે.
દસ કલાકની ઇંઉ ફિલ્મ વીકિપીડિયાના બધા જ અંગ્રેજી લેખોનો સરવાળો કરો, એના કરતા પણ વધુ જગ્યા રોકે છે. એમાં વળી ભરચક વિસ્તારોમાં ઇન્ટરનેટનો વપરાશ વધુ પ્રદૂષણ ફેલાવી શકે છે. મકાન-ઇમારતો કે આબોહવાને કારણે ટ્રાન્સમિશનમાં અવરોધ આવે છે, જેના કારણે ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના વહનમાં નડતર પેદા થાય છે અને વીડિયો બફર થયા રાખે છે. બે મિનિટની નાનકડી ક્લિપ અગર પાંચ મિનિટ સુધી બફર થશે તો તેના લીધે ઊર્જા પણ એટલી જ વધારે ખર્ચાશે! તજજ્ઞોની સલાહ છે કે 3ૠ ડેટાનો ઉપયોગ કરીને વીડિયો જોવાનો આગ્રહ રાખવો નહીં. મોટે ભાગે વાઇ-ફાઇ નેટવર્કનો ઇસ્તેમાલ જ પર્યાવરણ માટે હિતાવહ છે.
સાથોસાથ ડિજિટલ હાઇજીન જાળવતાં નહીં શીખીએ ત્યાં સુધી આ સમસ્યાનો હલ આવવાની કોઈ સંભાવના નથી. સરકાર જાગૃત થાય એની રાહ જોવાને બદલે યુઝરે પોતે પર્યાવરણ માટે તકેદારી રાખવાનું શરૂ કરવું પડશે. પોતાની જાતને આ સવાલો પૂછો. બિનજરૂરી, એકસરખા લાગતાં 25 ફોટોને ક્લાઉડ સ્ટોરેજમાં સેવ કરવાને બદલે જે ખરેખર ખપમાં આવે એમ છે એવા 2-5 ફોટો ક્લાઉડમાં ઉમેરીએ તો ન ચાલે? નાના-મોટા પ્રત્યેક વીડિયોનું બેક-અપ લેવાને લેવાને બદલે જે જરૂરી છે, એવા 1-2 વીડિયોને સ્ટોર કરીને ડેટા-સેન્ટર દ્વારા ખર્ચાતી ઊર્જાની આપણે બચત ન કરી શકીએ? લેપટોપ-કમ્પ્યુટર-સ્માર્ટફોનમાં નકામા ફોટો-વીડિયો-મેસેજ-ફાઇલને ડિલીટ કરીને પર્યાવરણ પરનું ભારણ થોડુંક હળવું ન કરી શકીએ? ચતુર કરો વિચાર.