યુવાનોમાં ટેટૂનો ક્રેઝ કેટલો છે તે વાત તો બધા જ જાણે છે. આજ કાલ મોટાભાગના યુવાનોના હાથ-પગમાં એક નાનકડું પણ ટેટૂ તમને જરૂરથી જોવા મળશે. વળી અનેક લોકોનો અજીબો ગરીબ જગ્યાએ પણ નીતનવા ટેટૂ કરાવે છે. આ તમામની વચ્ચે આઇબોલ્સ પર પણ ટેટૂ બનાવાનો ક્રેઝ હવે વધ્યો છે. વિદેશોમાં તો આ ટ્રેન્ડ ખૂબ જ હિટ ગયો છે પણ ભારતમાં આંખોમાં ટેટૂ બનાવાનો પહેલો કિસ્સો હાલમાં જ બન્યો છે. દિલ્હીના કરણ તેમની આંખોના આઇબોલ્સમાં ટેટૂ કરાવ્યું છે. અને આમ કરાવી તે આઇબોલ્સ ટેટૂ કરાવનાર પહેલા ભારતીય બની ગયા છે.
આઇબોલ્સ ટેટૂ
કરણ દિલ્હીના જ રહેવાસી છે અને તેમનો વ્યવસાય પણ ટેટૂ આર્ટિસ્ટનો જ છે. તેમણે હાલ જ પોતાની આઇબોલ્સ પર ટેટૂ બનાવ્યું છે. અને આ જ કારણે હાલ ઇન્ટરનેટ પર તે હિટ થઇ ગયા છે. જ્યાં જુઓ ત્યાં તેમની કાળી આંખોની તસવીરો સોશ્યલ મીડિયા પર જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે તે ભારતના પહેલા વ્યક્તિ છે જેમણે આંખોમાં ટેટૂ કરાવ્યું છે. અને આ પહેલા આવો કોઇ કિસ્સો ભારતમાં જોવા નથી મળ્યો.
અમેરિકાથી ટેટૂ કરાવ્યું
કરણે જણાવ્યું કે આઇબોલ્સ ટેટૂ જાણકારો પાસેથી કરાવવું જોઇએ. તેમણે કહ્યું કે આ આઇબોલ ટેટૂ તેમણે ન્યૂયોર્ક જઇને બનાવ્યું છે. અને આઇબોલ ટેટૂ બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચો થાય છે. જો કે જે વ્યક્તિએ આઇબોલ ટેટૂની શરૂઆત કરી તેમની જોડેથી જ કરણે આ ટેટૂ કરાવ્યું છે. વધુમાં કરણે કહ્યું કે તે લાંબા સમયથી આઇબોલ્સ ટેટૂ બનાવાનું વિચારી રહ્યા હતા.