જીવનની સલામતી માટે વીમો લેવા સમજાવતી વીમા કંપનીઓ ખરે સમયે જ વળતર ચુકવવા ઇન્કાર કરતી હોય છે. કેન્સર જેવી બિમારીથી માનસિક રીતે પડી ભાંગેલી મહિલાને વીમા કંપનીએ પડતા પર પાટુ જેવો ઘાટ કર્યો હતો. બ્રેસ્ટ કેન્સર જેવી બિમારીમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી મહિલાને વીમા કંપનીએ પુરી રકમ નહી ચુકવતા મહિલાએ ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી. ગ્રાહક કોર્ટે નેશનલ ઇન્સયોરન્સ કંપનીને મહિલાના હોસ્પિટલનું પૂરેપૂરુ બિલ ૯ ટકા વ્યાજ સાથે ચુકવવા તથા માનસિક ત્રાસ આપવા બદલ રૃ.૩ હજાર અને રૃ.૨ હજાર પીટીશનનો ખર્ચો આપવા પણ આદેશ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે મીના દવે નામની મહિલાએ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રૃ. ૩ લાખની સ્વાસ્થય વીમા પોલિસી ખરીદી હતી. પોલિસીના કાર્યકાળ દરમ્યાન મીનાબેનને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયુ હતુ.વર્ષ-૨૦૧૧માં તેમણે સામવેદ મેડીકેર પ્રા.લી માં ઓપરેશન કરાવ્યુ હતુ. જેનો ખર્ચો રૃ.૧,૧૧,૬૭૭ થયો હતો. જેમા હોસ્પિટલનું બિલ રૃ.૯૨૪૫૦ સમાવેશ થયો હતો. પરતું વીમા કંપનીએ માત્ર રૃ. ૫૦ હજારનો ખર્ચો જ કેશલેશમાં માન્ય રાખ્યો હતો જયારે બાકીના રૃ. ૪૨,૪૫૦નું પેમન્ટ મીનાબેને કર્યુ હતુ. ત્યારપછી મીનાબેને હોસ્પિટલ બાદનો ખર્ચો ૧૯,૨૨૭ ચુકવ્યો હતો. તેથી મીનાબેને ૪૨,૪૫૦+૧૯૨૨૭=રૃ.૬૧,૬૭૭નો કલેઇમ કંપનીમાં મુકયો હતો.
પરતું વીમા કંપનીએ માત્ર ૧૯,૨૨૭નો કલેઇમ પાસ કરીને બાકીના ખર્ચો આપવા ઇન્કાર કર્યો હતો. ખર્ચો આપવાનો ઇન્કાર કરવાના કારણમાં એવું ઠેરવ્યુ હતુ કે વીમા કંપની અને હોસ્પિટલ વચ્ચે PPNનો કોન્ટ્રાકટ થયેલો છે. મીનાબેને TPA ને ઉદ્દેશીને વીમા કંપનીને બે પત્ર લખ્યા હતા.પરતું તેનો કોઇ જવાબ આવ્યો નહોતો. જેથી તેમણે ગ્રાહક સુરક્ષા અંગેની કપંનીની મદદથી વીમા કંપનીને નોટિસ મોકલી હતી. પરતું તેમ છતા કોઇ જવાબ નહી આવતા ગ્રાહક કોર્ટમાં વળતર મેળવવા અરજી કરી હતી. ગ્રાહક કોર્ટે મીનાબેનની અરજી સ્વીકારીને નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીને ૯ ટકા વ્યાજ સાથે બાકીના રૃ.૪૨,૪૫૦ ચુકવવા આદેશ કર્યો છે.