આજે આપણે ઓફિસ કે સ્કૂલ- કોલેજનું ટિફિન હોય કે પ્રવાસ કે મુસાફરીમાં જવાનું હોય ત્યારે લોકો તેમના ભોજનને એલ્યુમિનિયમના કાગળ જેવા વરખમાં લપેટીને જ લઇ જતા હોય છે. તો શું તમે ક્યારેય વિચાર્યુ છે કે તે આપણી ટિફિનની અંદર રહેલી વસ્તુને કેવી રીતે ગરમ રાખે છે ? અથવા તેમાં લપેટીને રાખવામાં આવેલી વસ્તુ કેટલા સમય સુધી સારી રહી શકે છે ?
એલ્યુમિનિયમ ફોઈલ વસ્તુને કેવી રીતે ગરમ રાખે છે
એલ્યુમિનિયમના વરખ તેના નામ પ્રમાણે જ એલ્યુમિનિયમમાંથી બને છે, જે પરાવર્તિતનો ગુણધર્મ ધરાવતો હોવાથી પ્રકાશ અને ઓક્સિજન માટે અવરોધરૂપ તરીકે કાર્ય કરે છે. જેના પરિણામે ખોરાકની ગરમી પાછી તેમાંને તેમાં જ પછી આવતી રહે છે. ઘણી વખત તેને નાશવંત ખાદ્ય પદાર્થો અને ડેરીની વસ્તુઓ માટે પણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે.આ ઉપરાંત તેને શિયાળામાં ઘર ગરમ રાખવા અને ઉનાળામાં ઘર ઠંડુ રાખવા બારીના કાચમાં લગાવવામાં પણ ઉપયોગમાં લેવાતું હોય છે.
એલ્યુમિનિયમનુું વરખ સીધા જ ખોરાક પર ન રાખવું
એલ્યુમિનિયમનુું વરખ ખોરાકને ગરમ તો રાખે છે, પણ તેને સીધા જ ખોરાક પર ન રાખવું જોઇએ. કેમ કે તેનાથી ખોરાકની ગરમી સીધી વરખમાં જઇને બહાર ફેંકાય જાય તેવું બની શકે. આથી જો વરખને થોડું દૂર કે ખોરાક વચ્ચે જગ્યા રાખી લપેટવામાં આવે તો ખોરાક વધુ સમય સુધી ગરમ અને તાજું રહે છે, આથી તે માટે વરખ અને ખોરાક વચ્ચે બટર પેપર રાખી શકાય….
સામાન્ય રીતે આવા એલ્યુમિનિયમના વરખને માત્ર થોડા સમય સુધી ખોરાકને ગરમ રાખવા ઉપયોગમાં લેવું જોઇએ, પરંતુ ઘણા લોકો તેને લાંબા સમય માટે ઉપયોગમાં લેતાં હોય છે. જેના અલગ પરિણામો આવી શકે છે. જેમ કે, ઋતુ અને તાપમાન પ્રમાણે જો 3 -4 કલાકથી વધુ વરખમાં જ વસ્તુ રાખવામાં આવે તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થઇ શકે છે. જે જોઇ શકાતા નથી અને જેને કારણે ફૂડ પોઇઝન અને ઉલ્ટીઓ વગેરે થઇ શકે છે.
ગરમ અને એસિડિક ખોરાકને તેમાં ન રાખવો જોઇએ
ખાદ્યવસ્તુને લપેટવા માટે મલમલનું કાપડ, ફુડ ગ્રેડ બ્રાઉન પેપર અને બટર પેપરને પણ ઉપયોગમાં લઇ શકાય. એલ્યુમિનિયમનું વરખ ભેજ અને ગંધને અંદર જ જકડી રાખે છે, અને ખોરાક તાજો રહે છે. પણ ગરમ અને એસિડિક ખોરાકને તેમાં ન રાખવો જોઇએ કેમ કે એલ્યુમિનિયમ તેમાં ભળી શકે છે.
આજે કામ કરતા મોટા ભાગના લોકો માટે ઘરેથી પેકિંગ કરીને ભોજન લઇ જવું એ એક રીત બની ગઇ છે. ત્યારે નિષ્ણાંતની સૂચનાઓ પ્રમાણે એલ્યુમિનિયમનો વરખ કે અન્ય વિકલ્પોના ઉપયોગમાં કોઇ નુકશાની નથી માત્ર પેક કરતી વખતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે.